પોરબંદરઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સ્કૂલ-કોલેજો હજુ સુધી ખુલ્લી નથી. જોકે, સ્કૂલોમાં ઓનલાઇન એજ્યુકેશન ચાલું છે, ત્યારે સ્કૂલો અને વાલીઓ વચ્ચે સ્કૂલ ફીને લઈને અસમંજસની સ્થિતિ છે. વાલીઓ દ્વારા કોરોના મહામારીને કારણે ધંધા-રોજગારને મોટી અસર થઈ હોવાથી સ્કૂલ માફી આપવાની માંગ કરવામાં આવી રહી છે.


આ બધાની વચ્ચે પોરબંદરની જિલ્લાની બે સ્કૂલોએ ફી માફી કરવાનો નિર્ણય લીધો છે. કુતિયાણા તાલુકાની ખાગેશ્રી ગામની ન્યુ એરા શૈક્ષણિક સ્કૂલના સંચાલકો દ્વારા ફી માફીનો નિર્ણય લેવાયો છે. ન્યુ એરા શૈક્ષણિક સ્કૂલમાં કે.જી.થી 12 ધોરણના 625 વિદ્યાર્થીઓની અંદાજીત 25 લાખ જેવી રકમની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે ચૌટા ગામની સંસ્કાર વિદ્યાલયના સંચાલક દ્વારા પણ ફી માફીનો નિર્ણય લેવાયો છે. સંસ્કાર વિદ્યાલય માં કે.જી.થી ધોરણ 8ના કુલ 165 વિદ્યાર્થીઓની અંદાજીત 7 લાખ જેવી રકમ ની ફી માફી કરવામમાં આવી છે. બંને શાળાના સંચાલક મહેશભાઈ ભીમભાઇ દ્વારા ફી માફીનો નિર્ણય લેવાયો છે. શાળા સંચાલકના નિર્ણયને વાલીઓએ આવકાર્યો છે.