રાજકોટ: ઓમિક્રોન વાઇરસને લઈને આઈએમએ દ્વારા જાહેર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ આઇએમએ પાસેથી સૂચનો મંગાવ્યા હતા . સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે ૧૦ જેટલા સૂચનોની માર્ગદર્શીકા જાહેર કરી છે. શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવે. પોતાના નાસ્તા બોકસમાં શક્યતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવે.
વિદ્યાર્થી એન -૯૫ માસ્ક પહેરીને આવે. વિદ્યાર્થી દહી - છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે. શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહીં - છાસ જેવા ઠંડા પદાર્થ ના આપે. શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ એન -૯૫ માસ્ક પહેરે. શિક્ષકો ભણાવતી વખતે ફેઇસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે.
કોઈપણ બાળકનાં શાળામાં પ્રવેશ વખતે જ એને તાવ, શરદી, ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે. શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ એન -૯૫ માસ્ક જ પહેરે. વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરા પણ તાવ, શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ ના મોકલે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,82,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશને સાત, ભાવનગર કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વલસાડમાં ચાર, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં બે, નવસારીમાં બે, અમદાવાદમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, રાજકોટમાં એક, અને વડોદરામાં એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 372 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. 8,17,339 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 21 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1092 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12,335 નાગરિકોને રસીનો પ્રથમ અને 87,763 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40,345 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,41,184 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,82,740 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,35,26,458 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.