સરકારની ગાઈડલાઈન પહેલા જ કેટલીક શાળાઓએ ધોરણ-11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે આ મામલે રાજકોટના શિક્ષણાધિકારીએ આવી શાળાઓ વિરૂદ્ધ પગલાં લેવાની વાત કહી છે. વાત એમ છે કે ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા બાદ હજુ કોઈ માર્કશીટ કે પ્રવેશ અંગે સરકારે નિર્ણય જાહેર કર્યો નથી. પરંતુ રાજકોટની કેટલીય શાળામાં ધોરણ 11માં 30 ટકા એડમિશન આપી દેવાયા છે.


જોકે નિયમ મુજબ આ પ્રકારે કોઇપણ સ્કૂલ એડમિશન આપી શકે નહીં. પરંતુ માત્ર રજિસ્ટ્રેશનના નામે શાળા સંચાલકો એડમિશન કરી રહ્યા છે. જેને લઈ શિક્ષણાધિકારીએ 15થી વધુ સ્કૂલોમાં તપાસ હાથ ધરી છે. જેમાં ત્રણ શાળાઓએ તો ધોરણ-11ની ફી પણ વસૂલી હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે, સરકારની ગાઈડલાઈન પહેલા ફી વસૂલનાર શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે.


આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે,, ધોરણ 10ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વિના બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવો આયોગ્ય છે. હજી સરકારે નક્કી નથી કર્યું કે ધોરણ 11માં કયા આધારે પ્રવેશ આપવો. તેમ છતાં રાજ્યમાં અનેક સ્કૂલોએ અત્યારે ધોરણ 11 માં પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ એવી ઉતાવળ કરવી યોગ્ય નથી.


બીજી બાજુ ધોરણ-10માં માસ પ્રમોશનનો નિર્ણય તો સરકારે કરી લીધો પણ હવે આ નિર્ણય કર્યા બાદ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ધોરણ-11માં કેવી રીતે સમાવેશ કરવો. કારણ કે ધોરણ-11માં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાને કારણે હવે નવા વર્ગો શરૂ કરવા પડે એમ છે. જેથી સરકાર સ્કૂલોમાં વર્ગો વધરાવા માટેની કવાયત હાથ ધરી છે.


શિક્ષણ વિભાગે 11 સભ્યોની કમિટી બનાવી છે. ધો. 9 અને 10ના અલગ અલગ વિષયની એકમ કસોટીના પર્ફોર્મન્સના આધારે 80 માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરન્લના 20 માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે.