રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાના નિર્ણયને લઇ પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. મારા પિતાને રાજકારણમાં જોડાવવું જ જોઈએ, પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. પિતા 30 તારીખ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય પિતાનો પેહલો મુદ્દો હશે. પુત્રના નિવેદન પરથી નરેશભાઈના આપમાં જોડાવાના સંકેત. કારણ કે શિક્ષણ અને આરોગ્ય આમ આદમી પાર્ટી હાલ આ મુદ્દા પર આગળ વધી રહી છે.



ખોડલધામ પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે આજકાલ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ કોંગ્રેસે તેમના માટે લાલ જાજમ બિછાવી છે, તો બીજી બાજું આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને AAPમાં સામેલ કરવા માટે આતુર છે. તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતાઓના પણ નિવેદન સામે આવ્યા છે, જે કહી રહ્યાં છે કે નરેશ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી અને પૂર્વ મંત્રી ગોવિદ પટેલે નિવેદનો આપ્યાં  છે. 


શું કહ્યું વિજય રૂપાણી અને અન્ય BJP નેતાઓએ ?


નરેશ પટેલના રાજકરણમાં જોડાવના સમાચારને લઈ અલગ અલગ ભાજપ નેતાઓના નિવેદન સામે આવ્યાં  છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ કહ્યું કે નરેશ પટેલ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે , નરેશ પટેલ ભાજપ સાથે રહેશે. તો રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું કે ક્યાં પક્ષમાં જોડાવવું એ  નરેશ પટેલનો વ્યક્તિગત નિર્ણય છે લોકશાહીમાં બધાને પોતાનો નિર્ણય કરવાનો અધિકાર છે. તો રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કહ્યું કે લોકશાહીમાં પોતાનો વ્યક્તિગત નિર્ણય લેવાનો સૌ કોઈને અધિકાર છે, નરેશભાઈ સમજુ અને હોશિયાર છે, યોગ્ય નિર્ણય લેશે.


નરેશ પટેલે કોંગ્રેસ કે આપ નહીં પણ ભાજપમાં જોડાવાનો આપ્યો સંકેત


ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે. યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઇશ તે કહેવું આ સમયે યોગ્ય નથી.


તેઓ પાટીદારો સામેના કેસો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનું અને આ કેસો પરત ખેંચવા મુદ્દે હલચલ થઈ રહી હોવાનું પણ કહી રહ્યા છે, ત્યારે તેમનો ભાજપ તરફ ઝુકાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સમય આવ્યે તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે, તે ખબર પડશે. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે માત્ર પાટીદારો સામેના કેસો નહીં, પણ તમામ સમાજના દીકરા-દીકરીઓ સામેના કેસો પાછા ખેંચવા રજૂઆત કરી છે.