One District One Product: અત્યાર સુધી સાંભળ્યું હતું કે છેલાજી રે, મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, પણ સમય અને સંજોગો અનુસાર પરિસ્થિતિ બદલાઈ છે. રાજકોટના પટોડા સોંઘા (સસ્તા) ટકાઉ, ફેન્સી તથા ફેમસ બન્યા છે. રાજકોટના “સિંગલ ઈકત વણાટ” નો સમાવેશ કેન્દ્ર સરકારની “વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે.રાજકોટના “સિંગલ ઈકત પટોળા” ને કેન્દ્ર સરકાર દ્વારા જી.આઈ.ટેગ પ્રાપ્ત થયો છે.


આ વર્ષ ૭ ઓગસ્ટ હેન્ડલુમ દિવસની ઉજવણી સમયે કેન્દ્ર સરકારની આ પહેલને રાજ્ય સરકારે વધાવી રાજયના હસ્તકલા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા વિશેષ આયોજન હાથ ધર્યું અને ગુજરાતના દરેક જિલ્લાના હસ્તકલા હાથશાળમાં પરંપરાગત કળાના વારસાને જીવનદાન આપવા સરકારે જિલ્લાની વિશિષ્ટ કળાને ઓ.ડી.ઓ.પી. જાહેર કરી હતી.રાજ્યના ઉત્પાદનોની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ ઊભી થાય તે હેતુથી આ યોજના સમગ્ર રાજ્યમાં અમલી કરવામાં આવી છે. 


ઓ.ડી.ઓ.પી યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટને તેની વિશિષ્ટ કળા તરીકે સમાવિષ્ટ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટ કળા વર્ષો જૂની હાથશાળની કળા છે. આ વણાટકળામાં મશીનનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી. ત્રણ પેઢીથી રાજકોટ ખાતે સિંગલ ઈકત વણાટ પટોળાની કળા સાથે જોડાયેલા રાઠોડ પરિવારના ચંદ્રેશભાઇ રાઠોડે કહ્યું હતું કે, સિંગલ ઈકત પટોળાને “રાજકોટી પટોળા” પણ કહેવાય છે. 


રાજકોટના સિંગલ ઈકત પટોળા એ એક પરંપરાગત રીતે હાથવણાટની સાડી છે. આ સાડીઓ તેમની જટિલ ડિઝાઇન, વાઇબ્રન્ટ રંગો અને દોષરહિત વણાટ માટે જાણીતી છે. કારીગરોની પેઢીઓનું કૌશલ્ય અને કારીગરીનો પુરાવો છે આ સિંગલ ઈકત વણાટ પટોળા. જેમણે આ કલાને જીવંત રાખવા માટે સખત મહેનત કરી છે. સાડીઓ પણ કલા, કારીગરી અને લાવણ્યનું સંપૂર્ણ મિશ્રણ છે. ગાંધીજીના વારસદારોએ રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય શાળા ખાતે ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાનું નિર્માણ કર્યું હતું,  જેના માધ્યમથી પટોળા કળાની તાલીમ આપવામાં આવી હતી.
       
પટોળાની ખાસિયત તથા તેના તાણાવાણાની ગૂંથણી વિશે ચંદ્રેશભાઇએ જણાવ્યું હતું કે, અમે સિંગલ ઈકત પટોળાના વણાટ માટે મલબારી રેશમનો ઉપયોગ કરીએ છીએ. આ પટોળામાં ૨૮૫૦, ૩૨૦૦ અને ૩૩૦૦ ઉભા તારની તાણી અને ૬૧ તારની આડી તારની લટ દ્વારા વણાટ કામ કરવામાં આવે છે. 




વિશિષ્ટ ગુંથણી સંપૂર્ણ હાથ બનાવટથી કરવામાં આવે છે. એક સાડી બનાવટમાં ૬૫૦ ગ્રામ જેટલું શુધ્ધ રેશમ વપરાય છે. રાજકોટ પટોળાની સાડી વણતી વખતે ચોકસાઈ અને ધીરજની ખુબ જ જરૂર પડે છે. રાજકોટ પટોળાની લૂમ ઘણી રીતે અનોખી છે. એક સાડી પર બે લોકોએ બેસીને સાથે કામ કરવું પડે છે. રાજકોટનું એક પટોળું બનાવવામાં ૧૫ દિવસ થી એક મહીનો જેટલો સમય લાગે છે. 


રાજ્ય સરકાર દ્વારા અમારી આ લુપ્ત થતી કળાને જીવંત રાખવા સરકાર દ્વારા અમને પ્રોત્સાહન આપવામાં આવે છે, સાથે જ  ઈ.ડી.આઈ.આઈ. દ્વારા સહકારી મંડળી બનાવવા માટે પણ મદદ મળી છે. જે પૈકી ૫૧ સભ્યોમાંથી ૨૬ તો મહિલા સભ્યો છે. સરકારશ્રી દ્વારા યોજાતા અનેક પ્રદર્શનમાં અમારી આ કળાને વેચાણ હેતુ અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવી સરકાર દ્વારા અમને ખૂબ સહકાર આપવામાં આવે છે. આ વિસરાતી કળાને વિશિષ્ટ દરજ્જો આપવા બદલ ચંદ્રેશભાઇએ રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. 


પરંપરાગત કળાને આધુનિકતા સાથે મેળાપ કરાવતા આ સિંગલ ઈકત પટોળામાં પરંપરાગત પેટર્ન નવરત્ન, માણેકચોક, પાનચંદા, નારીકુંજન જેવી નાની ભાત અને અડતાલુ જેવી મોટી ભાતને આધુનિક રંગ સંયોજન સાથે બનાવવામાં આવે છે. રાજકોટના રાઠોડ બંધુઓ પટોળા સાડી ઉપરાંત પટોળા લહેંગા, દુપટ્ટા, પટોળા શાલ, પોટલી પર્સ, ક્લચ પર્સ, મોજડી તથા પુરુષો માટે પટોળા ટાઈ, નહેરુ જેકેટ (કોટિ)નું પણ વેચાણ થાય છે. ત્યારે રાજ્ય સરકારની ઓ.ડી.ઓ.પી. યોજના દ્વારા આ કળાને વધુ વેગ મળશે તેમજ હાલના તેના કારીગરોને ઉત્તમ વ્યાવસાયિક તકો પણ મળશે. આ યોજના દ્રારા કળા અને તેના કારીગરોને ઉજજવળ ભવિષ્ય મળી શકે તે માટે રાજ્ય સરકાર વિશિષ્ટ સહયોગ પ્રદાન કરી રહી છે.