રાજકોટ: રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇવે પર ખૂબ જ શાનદાર નજારો જોવા મળ્યો હતો, અહીં બરફવર્ષા થતા કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બરફ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.  રસ્તા પરથી પસાર થતા લોકોએ પણ અહી ગાડી ઉભી રાખી બરફનો આનંદ માણ્યો હતો. 


માલિયાસણ ગામ નજીક અદભૂત નજારો


રાજકોટમાં આજે વહેલી સવારે ખાબકેલા વરસાદથી લોકોને જાણે કે જમ્મુ કાશ્મીરમાં હોય તેવો  અનુભવ થયો હતો.  માવઠાની સાથે-સાથે ક્યાંક કરા પડ્યો તો ક્યાંય ભારે વરસાદ ખાબક્યો હતો. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામ નજીક આ અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં મલિયાસણ ગામ પાસે હાઇવે પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. આ પૂલ પરના વીડિયો પણ ખૂબ જ વાયરલ થયા છે.



લોકોએ બરફમાં મજા લીધી


હાઇવે પરનો આ નજારો જોઈ  લોકોએ પોતાના વાહનોને સાઇડમાં પાર્ક કરીને બરફ સાથે તસવીરો પડાવી હતી. લોકોએ પરિવાર સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ બરફની ચાદર  છવાઇ જવાની ઘટના હાઇવે પરના માલીયાસણની પાસે આવેલા બ્રિજ પર બની હતી. અહીં બરફના કારણે વાહનોના લાંબી કતારો પણ લાગી હતી. કહેવાઇ રહ્યું છે કે, અહીં અંદાજિત બેથી ત્રણ ઇંચ જેટલી બરફની ચાદર છવાઇ છે.


હિલસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો


અહીં હિલસ્ટેશન જેવો માહોલ બનતા લોકો પણ પ્રકૃતિનો આનંદમાણવા માલિયાસણના બ્રિજ પર પહોંચ્યા હતા. બ્રિજ પર પહોંચી લોકો એક બીજા પર બરફના ગોળા બનાવી ફેંકીને આનંદ માણી રહ્યા હતા.  માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગયો છે. આ તરફ સ્થાનિકો પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા બ્રિજ પર પહોંચ્યા હતા.  


રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ધારી અને આજુબાજુના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, ખીચા, વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેનાથી તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. સાવરકુંડલાના ધજડી, લુવારા, અમૃતવેલ, ઓળિયા, ખડકાળા, નાના ભમોદ્રા અને આસપાસના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાસાવર ગામમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોરદાર પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં ગામની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.