રાજકોટ: રતનપર ખાતે આયોજીત ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ગુજરાતના વિવિધ જિલ્લામાંથી લોકો ક્ષત્રિય મહાસંમેલનમાં પહોંચ્યા છે. ક્ષત્રિય સમાજના યુવાઓ, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ મહાસંમેલનમાં પહોંચ્યા છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માગણી સાથે લોકો પહોચી રહ્યા છે. 


 



આ સંમેલનમાં ભાગ લેવા માટે આવી રહેલા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. શિલાદેવી સુખદેવ સિંહ ગોગામેડીને નજરકેદ કરવામાં આવ્યા છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે તેમની અટકાયત કરવામાં આવી છે. તમને જણામી દઈએ કે, શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ગોગામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય થઈ છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે.


2017મા ગોગામેડીએ બનાવ્યું હતું અલગ સંગઠન


ગોગામેડી ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. સુખદેવ સિંહ ગોગામેડી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. કરણી સેનાની રચના 2006માં થઈ હતી. લોકેન્દ્ર સિંહ કાલવીએ અલગ સંગઠન રાજપૂત કરણી સેના બનાવી. વર્ષ 2012માં સુખદેવ સિંહ ગોગામેડીને શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કાલવી અને ગોગામેડી વચ્ચે વિવાદ થયો હતો. સુખદેવ સિંહ ગોગામેડીએ 2017માં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું.


રાજકોટના રતનપર ગામમા આજે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજાશે.રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માગ પર ક્ષત્રિયો અડગ છે. જેથી રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્રના અલગ અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી સંમેલનમાં યુવાનો પહોંચ્યા છે. સંમેલન સ્થળ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2000 કરતા વધારે સ્વયંસેવકો વ્યવસ્થામાં ગોઠવાયા છે. ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં જબરજસ્ત વ્યવસ્થાઓ જોવા મળી રહી છે. સાંજે 5:00 વાગ્યે ક્ષત્રિય મહા સંમેલન શરૂ થશે.ક્ષત્રિય સમાજની એક જ માંગ પરસોતમ રૂપાલા ની ઉમેદવારી રદ કરવામાં આવે.


સાંજે 5 વાગ્યે યોજાનારા ક્ષત્રિયોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે. રતનપરમાં 30 વીઘાના મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ 100 વિઘા જમીનમાં પાર્કિંગ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવો દાવો કરાયો છે.