રાજકોટ:  એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં આકરો તાપ પડી રહ્યો છે.  રાજકોટ શહેરમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજકોટ શહેરમાં સૂર્યદેવ  આકરો મિજાજ  બતાવી રહ્યા છે. આજે બપોરે  તાપમાન  44 ડીગ્રીએ પહોંચી ગયું છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રી વધે તેવી શક્યતા છે. 

રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી અને તાપમાનમાં વધારો થવાના કારણે રસ્તાઓ પર  કોઈ ચહલ-પહલ નથી.લોકો ઘરની બહાર નિકળતા પણ વિચાર કરે છે. તંત્ર દ્વારા પણ કામ વગર ઘરની બહાર ન નિકળવા  સૂચના આપવામાં આવી છે. 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં વધારો થવાની અને રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી. કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રના તમામ શહેરોના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે પણ 7 એપ્રિલથી લઈને 9 એપ્રિલ સુધી તાપમાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે. 

આગામી 2 દિવસ ભીષણ ગરમીની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ ભીષણ ગરમી સહન કરવી પડશે. કચ્છમાં હજુ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, મોરબીમાં પણ બે દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. રાજ્યના હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં 2 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણમાં બે દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

સાબરકાંઠા, મહેસાણામાં 2 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેંદ્રનગરમાં આવતીકાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
 
એપ્રિલ મહિનો શરૂ થતાં જ દેશભરના મોટાભાગના રાજ્યોમાં અગન વર્ષા વરસી રહી છે. હજુ અંગ દઝાડતી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાત સહિત સાત રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.
 
કચ્છમાં આજે પણ ગરમીનું રેડ એલર્ટ 
 
હવામાન વિભાગની ચેતવણી મુજબ હજુ તાપના ટોર્ચરથી રાહત નહિ મળે. 44.2 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ, ભુજ, રાજકોટ, ડીસામાં 43 ડિગ્રીને પાર તાપમાન પહોચ્યું છે.  આજે પણ કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, રાજકોટ, મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતાવણી મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લા અગનભઠ્ઠીમાં શેકાશે.