રાજકોટ LRD ભરતી કૌભાંડના 14 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, એલઆરડી ભરતી કૌભાંડમાં બોગસ કોલલેટર મારફતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં રાજકોટ, જસદણ, વિંછીંયા, ચોટીલા અને બાબરા સહિતના વિસ્તારના 21 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ 21 પૈકીના 14 આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે અરજી રદ કરી હતી.                   


ગયા ઓગષ્ટ મહિનામાં LRD ભરતી કૌભાંડનો ખુલાસો થયો હતો. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણૂકપત્રને આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કરાયો હતો. દસ્તાવેજ વેરીફીકેશનમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પ્રદિપ મકવાણા નામનો યુવક 19 ઓગષ્ટે બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. આ કોલ લેટર જોઈને શંકા ઉભી થતા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. નિમણૂંકપત્રની ચકાસણી કરાતા પ્રદિપ મકવાણાનો નિમણૂંક પત્ર ખોટું હોવાનો ખુલાસો થયો હતો.  જ્યારે આ નિમણૂંકપત્ર પર મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલી હતી.


ક્રાઈમબ્રાંચે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતા ભાવેશ ચાવડા નામના વ્યકિતએ ચાર લાખ રૂપિયામાં સેટિંગ કરાવી આપ્યું હોવાનો ખુલાસો થયો હતો. ભાવેશ ચાવડા પ્રદિપ મકવાણાના માસા હોવાનું પણ સામે આવ્યું હતું. ભાવેશ ચાવડાએ પ્રદિપ મકવાણાને LRDમાં ભરતી કરાવવાનું કહ્યું હતું અને આ માટે એક મહિલા દ્વારા ફોન પણ કરાવ્યો અને ત્યાર બાદ પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હતો.                          


પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ચાર લાખ રૂપિયા લઇને નકલી નિમણૂક પ ત્ર મોકલ્યો હતો. 2021ની પરીક્ષામાં પ્રદીપ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હતો. LRD બોર્ડમાં સેટિંગ કરવાનું કહી ચાર લાખ રૂપિયા લીધા હતા. ભાવેશ ચાવડાએ એક મહિલા મારફતે ફોન પણ કરાવ્યો હતો. દસ્તાવેજ વેરિફિકેશનમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.           


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ઉમેદવાર પ્રદીપ મકવાણા, તેના પિતા ભરતભાઈ મકવાણા ,ભાવેશભાઈ ચાવડા તેમજ બાલાભાઈ ચાવડા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪ અને ૧૨૦(બી) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.