Gujarat Unseasonal Rain: હવામાન વિભાગ ફરી વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, વડોદરા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાક રહેશે. ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


 



રાજકોટ વિસ્તારમાં ફરી જામ્યો વરસાદી માહોલ


ગોંડલ પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. સવારથી જ વાતાવરણ વાદળછાયું અને અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. તાલુકાના દેરડી(કુંભાજી) આજુબાજુના પંથકમાં ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઈને તલ, જુવાર,બાજરી,મકાઈ સહિતના પાકને નુકશાનની દહેશતછે.


તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા અને આસપાસના ગ્રામ વિસ્તારમાં ઉનાળામાં નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. ઉનાળામાં બે કાંઠે નદી વહેતી થઈ હોય તેવું પ્રથમ વખત બન્યું છે. ધોરાજીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડા રૂપી કમોસમી વરસાદ પડ્યો છે. ધોરાજીના કલાણા, છત્રાસા પાટણવાવ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. છત્રાસામાં ભારે વરસાદને કારણે વંથલી માણવદર-જૂનાગઢ જોડતા રોડ ઉપર એક ફૂટ જેટલું પાણી ભરાયું હતું. છત્રાસામાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. છત્રાસામાં સતત બીજીવાર કમોસમી ભારે વરસાદ પડતા ખેડૂતો અને ગ્રામજનો પરેશાન છે..


રાજકોટ જિલ્લાના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. ઉપલેટાના ગઢાળા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. સતત ચોથા દિવસથી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદના કારણે ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ છે.


અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ


મોડાસાના ગ્રામીણ પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો છે. સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. માથાસુલીયા, સાકરીયા,ઝાલોદર સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ફરી એકવાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.


અમરેલી જિલ્લામાં દસમા દિવસે કમોસમી વરસાદ યથાવત


તો આ તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં દસમા દિવસે કમોસમી વરસાદ યથાવત છે. બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. કુકાવાવના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કુકાવાવના બાંભણીયા ભાયાવડર સનાળા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.


છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ 


સતત બીજા દિવસે છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો છે. રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. છોટાઉદેપુર, ધંધોડા, દેવહાંટ, ચિલરવાંટ ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  


ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો.


મુખ્ય મથક આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ફળફળાદી અને શાકભાજી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. આહવા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા વાહન ચાલકો પરેશાન થયા છે.