રાજકોટ: રાજકોટ શહેર પોલીસની ટીમે શહેરના જંકશન રેલવે સ્ટેશન પાસેથી ઈરાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. આ બંનેએ ચાર દિવસ પહેલા જ ભૂજમાં 15 લાખ રૂપિયાની ચોરીની કબૂલાત કરી છે. મુંબઈ અને રાજસ્થાનમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ત્રણ દિવસ પહેલા ભુજના શિવમ જવેલર્સ માં થયેલ રૂ 15 લાખની સોનાની ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.

ચાર દિવસ પહેલા ભૂજમાં એક જ્વેલર્સની દુકાનમાં સોનાના રો-મટીરીયલના 70 ટુકડા અને પાંચ સોનાના સિક્કા મળી 15 લાખ રૂપિયાનું સોનું ચોરી ભાગ્યા હોવાનો વીએચએફથી મેસેજ આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને વોચમાં રહેવા સૂચના મળી હતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઈરાની ગેંગના બે સભ્યો રેલવે સ્ટેશન નજીક આવ્યા છે. પોલીસે બંનેને ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં પોતે કોઈ ગુનેગાર ન હોવાનું રટણ કર્યું હતું. ત્યારબાદ તેમની પાસેથી 15 લાખથી વધુનું સોનુ મળી આવતા બંનેની આકરી પૂછપરછ કરતા ભૂજમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.