રાજકોટઃ આજકાલ યુવાઓમાં ટિકટોકનો ક્રેઝ એટલી હદે સવાર છે કે લોકો ટિકટોક પર ફેમસ થવા માટે કોઇ પણ હદે જવા માટે તૈયાર છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં યુવક ટિકટોક વીડિયો બનાવવા માટે એક કાર સળગાવી રહ્યો છે. મળતી જાણકારી અનુસાર આ વીડિયો રાજકોટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરના કોઠારીયા રોડ પર એક યુવકે ટિકટોકનો વીડિયો બનાવવામાં કાર સળગાવી નાંખી હતી. ફાયરબ્રિગેડની ઓફિસ સામે જ યુવકે આ કાર સળગાવી દીધી હતી.
વીડિયોમાં જોઇ શકાય છે કે સળગતી કારની પાછળ રાજકોટ મહાનગર સેવા સદન લખેલી એક ફાયર બ્રિગેડની બિલ્ડિંગ દેખાઇ રહી છે. જેના પરથી કહી શકાય કે આ વીડિયો રાજકોટનો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ કોણ છે અને તેણે જે કાર સળગાવી તે પોતાની જ હતી કે બીજા કોઇની એ પણ હાલ બહાર આવ્યું છે. જોકે, અહી સવાલ થાય છે કે પોતાના સ્વાર્થ માટે આ પ્રકારની હરકત કરવી કેટલી યોગ્ય છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોય તો જવાબદાર કોણ રહેત. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે ABP અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી.