Jasdan daimond worker suicide: રાજકોટ જિલ્લાના જસદણમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બેકારીથી કંટાળીને એક 34 વર્ષીય રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. યુવકનો મૃતદેહ જસદણના આલણ સાગર ડેમમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Continues below advertisement

મળતી માહિતી મુજબ, જસદણના ચિતલીયા કુવા રોડ પર ઉમિયા નગરમાં રહેતો 34 વર્ષીય કલ્પેશ લાલજીભાઈ ઝીંઝુવાડીયા છેલ્લા 15 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાથી તેને પૂરતું કામ મળતું ન હતું. જેના કારણે ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. આર્થિક તંગી અને બેકારીથી કંટાળીને કલ્પેશે આજે બપોરે આશરે 1:30 વાગ્યે ઘરેથી નીકળી જસદણથી પાંચ કિલોમીટર દૂર આવેલા આલણ સાગર ડેમમાં પડીને આપઘાત કરી લીધો.

ડેમના કાંઠેથી તેમનો મોબાઇલ ફોન અને આધારકાર્ડ મળી આવ્યા હતા. જેના આધારે સરપંચે તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહને બહાર કાઢીને જસદણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા.

Continues below advertisement

આપઘાત કરનાર કલ્પેશ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેમના લગ્ન બોટાદ ગામે થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. કલ્પેશના આપઘાતથી તેમના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં મંદી હોવાથી અને પૂરતું કામ ન મળવાના કારણે કલ્પેશે આ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં ખૂબ જ ગંભીર મંદીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં રફ હીરાની આયાતમાં મોટો ઘટાડો થયો છે. કુદરતી હીરાની માંગ વૈશ્વિક સ્તરે ઘટી છે, જેના ઘણા કારણો છે, જેમાં વૈશ્વિક મંદી અને લેબગ્રોન ડાયમંડનો વધતો ઉપયોગ મુખ્ય છે. છેલ્લા બે વર્ષથી મંદી હોવા છતાં હજુ સુધી તેજી જોવા મળી નથી, જે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આના કારણે હીરા ઉદ્યોગકારોને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. વિશ્વભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અને રફ ડાયમંડ પરના પ્રતિબંધોએ પણ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે. હાલમાં રિયલ ડાયમંડનો વેપાર ખૂબ જ ઓછો થઈ ગયો છે અને આ મંદીનો સમયગાળો ખૂબ લાંબો હોવાથી ઉદ્યોગ માટે ચિંતાજનક બાબત છે.