મોરબી: મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા આજે હાઈ વોલ્ટેજ ડ્રામા થશે. હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓ આજે ટંકારા કોર્ટમાં હાજર થશે. ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસ પાટીદાર નેતાઓ પર છે. 2015માં શરૂ થયેલા પાટીદાર આંદોલનથી ભેગા થયેલા તમામ નેતાઓ પર કેસ છે. 2017ની ચૂંટણી પહેલા આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા તે વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પર કેસ થયો છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું છે. આજથી ટંકારા કોર્ટમાં રેગ્યુલર કેસ ચાલશે.



ટંકારા કોર્ટે હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, દિલીપ સાંબવા, ગીતા પટેલ, રેશ્મા પટેલ, કિશોર ચીખલીયા, મહેશ રાજકોટીયા અને નિલેશ એરવાડિયાને તેડું મોકલ્યું છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં કુલ ૩૦ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.



હાથરસમાં બનેલી ઘટનાને લઈ થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાજર રહે તે પહેલા જ તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરનું વોરંટ બતાવી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેને સાંતેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાર્દિકને 4 તારીખનું વોરંટ હતું તે બતાવી અટકાયત કરાઈ હતી.