Torrential rain in Junagadh: જૂનાગઢ અને ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે કલાકમાં શહેરમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ અને ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગિરનાર પર્વત પર 3 ઇંચથી વધુ વરસાદને કારણે દામોદર કુંડ અને જટાશંકર મંદિર પાસે નદીઓમાં પૂર આવ્યા છે. આ સ્થિતિને કારણે પ્રશાસને તત્કાળ પગલાં ભર્યા છે.

Continues below advertisement

શહેર અને તાલુકાઓની પરિસ્થિતિ

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે ઝાંઝરડા રોડ પરનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેને કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના ટીંબાવાડી, દોલતપરા, અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ભેંસાણમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. કેશોદ અને માંગરોળ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે ઓઝત નદીનું પાણી ઘેડ પંથકના ગામોમાં ફરી વળ્યું છે. ઓઝત નદીની સુરક્ષા દિવાલ તૂટતા ખેતરોમાં મગફળી અને સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે. માળીયાહાટીનાના અમરાપુર ગીર ગામમાં પણ મહુડી નદીમાં પૂર આવતા ખેતરોનું ધોવાણ થયું છે, અને ખેડૂતોએ સર્વે અને સહાયની માંગણી કરી છે.

Continues below advertisement

ગિરનાર પર્વત અને પિતૃ તર્પણ

ગિરનાર પર ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવિત્ર અમાસનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ માટે આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દામોદર કુંડ, જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, વરસાદનું જોર ઘટતાં અને પાણી ઓસરતાં શ્રદ્ધાળુઓને ફરી પ્રવેશ અપાયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસ, ફાયર વિભાગ અને SDRFની ટીમોને ત્યાં તૈનાત કરવામાં આવી હતી.

ડેમ અને નદીઓની સ્થિતિ

જૂનાગઢની જીવાદોરી સમાન હસનાપુર ડેમ ઉપરવાસના વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સોનરખ અને કાળવા જેવી નદીઓમાં પણ પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જટાશંકર ખાતે પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા પ્રવાસીઓને વન વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. નેત્રાવતી નદીનો પાળો તૂટતા પાણી દરિયામાં વહી ગયું છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.