Rajkot TRP Gamezone: રાજકોટના TRP ગેમઝોન કેસમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના બે ઉચ્ચ અધિકારીઓને ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


ધરપકડ કરાયેલા અધિકારીઓ:



  • રાજેશ મકવાણા: ATPO (Assistant Town Planning Officer)

  • જયદીપ ચૌધરી: ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી


આ બંને અધિકારીઓ પર ગેરકાયદેસર રીતે બાંધકામના નકશા પાસ કરવા અને ગેમઝોનને ગેરકાયદેસર રીતે ચલાવવાની મંજૂરી આપવાનો આરોપ છે. આગ લાગ્યા પછી, બચાવ માટે ખોટા દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા.


ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા આ કેસની તપાસ ચાલુ છે અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે સાંજે ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમને રિમાન્ડ પર મોકલવાની વિનંતી કરવામાં આવશે.


આ કેસમાં થોડા દિવસ પહેલા જ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટમાં સ્પે.પીપી તુષાર ગોકાણીએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તુષાર ગોકાણીએ  કહ્યું કે, ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિ કાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બનવાના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ (Document) ઊભા કરવામાં આવ્યા હતા.


જાડેજા ભાઈઓની સૂચનાથી રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો


એટલું જ નહીં કોર્પોરેશનનું ઓરીજનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજા ભાઈઓની સૂચનાથી રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. સ્પે.પીપી તુષાર ગોકાણીએ કહ્યું, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી.સાગઠીયા દ્વારા ખોટી મિનિટસ બુક બનાવવામાં આવી હતી. 4 મેના રોજ કોઈ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં નહોતી આવી. તેમજ 9 મેના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં નહોતો આવ્યો. પોલીસ દ્વારા IPC ની કલમ 201 નો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, IPC 201 ની કલમ પુરાવાનો નાશ કરવા બાબતે લાગુ કરવામાં આવતી હોય છે. 


અશોકસિંહ જાડેજાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર 


તો બીજી તરફ  આરોપી અશોકસિંહ જાડેજાના કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  જો કેસ પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી આરોપી અને મનપા પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા, ATPO મનસુખ મકવાણા, ATPO ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તમામના રિમાન્ડ મેળવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેકવાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ ઘટી છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. જેને લઇને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે યોગ્ય કાર્યવાહી તેમ લોકો માગ કરી રહ્યા છે.