Unseasonal Rain:  રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવમાં આભ ફાટ્યા જેની સ્થિતિ જોવા મળી છે. ધોરાજી પંથકના અનેક ગામડાઓમાં ભર ઉનાળે પાણીની સમસ્યા હળવી બની છે  તો અમુક ગામડાઓમાં ખેડૂતો આગોતરું વાવેતર પણ કરી શકે છે. ગઇકાલે ઇતિહાસમાં પ્રથમ વખત ઉનાળામાં નદીઓ વહેતી જોવા મળી હતી. ઓસમ ડુંગર ઉપરથી ચોમાસાની જેમ ધોધ વહેતા જોવા મળ્યા. 


 



હવામાન વિભાગની આગાહી અનુસાર ધોરાજી પંથકનાં ભાડેર, કલાણા, છત્રાસા અને પાટણવાવ ગામે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાય હતી.  પાટણવાવના ઓસમ ડુંગર ઉપર ચોમાસાની જેમ ધોધ વરસતા થયા હતા.  આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી.


ધોરાજીના કલાણામાં પણ મેઘરાજાએ રુૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કલાણા ગામમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો. કલાણા ગામમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું હતું. કલાણા ગામના ખેતરો, નદી નાળાઓ છલકાઈ ગયા હતા. કલાણા ગામના માર્ગો પર પણ પાણી પાણી જોવા મળ્યું હતું.


અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ ખેડૂતો માટે બરબાદીનો વરસાદ બન્યો છે. સાવરકુંડલા પંથકના હાડીડા ગામના ખેડૂતની ઉનાળુ બાજરીને ભારે નુકશાન થયું છે. જીવણભાઈ કાસરિયાની ઉનાળુ બાજરી બે દિવસ પહેલા પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા બાજરીના પાકને મોટું નુકશાન થયું છે. સતત દસ દિવસથી અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે.




મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો

મોરબી શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. માળિયામાં પણ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ,  સામેકાંઠે, સાવસર પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.




કચ્છમાં ગત મોડી રાત્રીથી વરસાદ

જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. મુન્દ્રા,અંજાર,ભુજ ના તાલુકા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી પશ્ચિમ કચ્છમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે.


આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરુ થયો છે. હજુ પણ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો બીજી તરફ ખેતીમાં થેયલા નુકસાનને લઈને સરકારે રાહત પેકેજ પણ જાહેર કર્યું છે.