રાજકોટ: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કહેરને લઈને આજે અમદાવાદ શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામા આવ્યું છે. હવે રાજકોટ શહેરમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનો નિર્ણય રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે.


રાજકોટ શહેરમાં માસ્ક ન પહેરનારાને પ્રથમ વખત એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે, જ્યારે બીજી વખત 5 હજાર રૂપિયોનો દંડ વસુલવામાં આવશે. ફેરિયાઓએ પણ માસ્ક બાંધવું ફરજિયાત હશે.

રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું, પોણા છ હજાર લોકોને જંગલેશ્વરમાં માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જો માસ્ક ન હોય તો સ્વચ્છ કપડાં પણ મોંઢા પર લોકો બાંધી શકે છે. 60 જેટલા સ્થળો પર પોલીસની સાથે કોર્પોરેશનની ટીમ માસ્ક અંગે ચેકીંગ કરશે.

રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું, અમારા આરોગ્ય કર્મચારીઓ સોસાયટીઓમાં જાય છે તો લોકો ખરાબ વર્તન કરે છે, ખરાબ વર્તન કરનારા લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તેમણે કહ્યું, આરોગ્ય કર્મચારીઓને સાથ અને સહકાર આપો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઇ પણ નાગરિક માસ્ક વિના બહાર નીકળશે તો તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ સ્થળ પર દંડ આપવાની ના પાડશે તો તેને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે.