રાજકોટ: ભાજપમાં નારાજ ધારાસભ્યોની વણઝાર વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવ અમારા સીનિયર નેતા છે અને તેમનો સ્વભાવ ઉગ્ર છે, જોકે તેમના મનમાં કઈ ખરાબ હોતું નથી. મધુ શ્રીવાસ્તવની લાગણી છે કે, વડોદરાના મહાદેવ તળાવમાં હનુમાનજીની મૂર્તિ બને, ધારાસભ્ય પોતાના વિસ્તારમાં મનગમતા કામ કરાવવા માંગતા હોય છે નારાજ નથી હોતા.


જોકે, મધુ શ્રીવાસ્તવની માંગણીને હાઈકોર્ટની માર્ગદર્શિકા અનુરૂપ પુરી કરવાની થાય છે. કોઈ પણ જનપ્રતિનિધિ કાયદો હાથમાં ન લે તે આવશ્યક છે અને આવું ન થાય તે જોવાની જવાબદારી પણ અમારી છે.

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલ વિભાગમાં તેમનું કામ અટવાયેલું હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી અને ગાંધીનગરમાં મંત્રી કૌશિક પટેલ તેમને ધક્કા ખવડાવતા હોવાની રજૂઆત કરી હતી.

મહત્વની વાત એ છે કે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ દબંગગીરી કર્યાં બાદ પણ અકડ યથાવત રાખી હતી. પક્ષમાંથી દબાણ વધતાં આખરે મધુ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, હું બજરંગ બલીનો ભક્ત છું, કોઈ પણ અપશબ્દ બોલ્યો નથી.