રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમ પહેલાં ભાજપનાં બે જુથ વચ્ચેનો ગજગ્રાહ બહાર આવ્યો છે. પાટીલના કાર્યક્રમના સંકલનની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આકરા પાણીએ હતા અને તેમણે બેઠકમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો.


રામભાઈ મોકરિયાએ કહ્યું કે, રાજકોચના કેટલાક કાર્યકર્તાઓ મારા બંગલે રજૂઆત કરવા આવતા ડરે છે. તેમણે કહ્યું કે, રાજકોટ શહેર ભાજપના નેતાઓના ડરથી તેઓ મારી પાસે રજૂઆત કરવા આવતા નથી. રામ મોરકિયાએ કહ્યું કે, ભાજપના કાર્યકરોએ કોઇનાથી ડરવાની જરૂર નથી, કાર્યકર્તાઓ પક્ષની હિંમત છે.


રામ મોકરિયાના નિવેદનથી શહેર ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે. રામબાઈ મોકરીયાએ કોના સંદર્ભમાં આ વાત કરી તેની ચર્ચા ચાલી રહી છે.


આ બેઠકમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, સિનિયર નેતા નિતીન ભારદ્વાજ તથા ધનસુખ ભંડેરી પણ હાજર હતા અને મોકરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણે સૌએ સાથે મળીને કામ કરવાની જરુર છે. કોઇએ કોઇ પણ પ્રકારના ભેદભાવ કે ડર રાખ્યા વગર જ એકબીજા સાથે રહીને કામ કરવાનું છે. સૌ પાર્ટીના જવાબદાર કાર્યકર્તાઓ છે અને તેથી કોઇ કોઇને મળશે તો બીજાને દુ:ખ લાગશે તેવી જે મનોવૃતિ છે તે પણ ત્યાગવાની જરુર છે.


મોકરિયાએ આ રીતે પોતાના ઉદબોધનમાં એકીસાથે અનેક સંદેશાઓ આપી દીધા હતા અને શહેર ભાજપના નેતાઓએ પણ આ અંગે મોકરિયાના વિધાનોને ગંભીરતાથી લીધા છે. રામભાઈ મોકરિયાએ પોતાના પાંચ-સાત મીનીટના ઉદબોધનમાં કહ્યું કે, તેઓ હવે નિયમિત રીતે કાર્યાલયની મુલાકાત લેશે અને સૌને સાથે રાખીને કામ કરશે તેવી પણ ખાતરી આપી હતી અને પક્ષના કોઇપણ કામ માટે તેઓ સતત ઉપલબ્ધ છે તેવું પણ જણાવ્યું હતું. આમ રાજકોટ શહેર ભાજપમાં હવે મોકરિયાની વધેલી સક્રિયતા પણ સૂચક છે. મોકરિયાના આ વિધાનોની શહેર ભાજપમાં જબરી ચર્ચા છે.