અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. કેન્દ્રિય ગૃહવિભાગે દેશભરના જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેચીને ક્યા ઝોનમા કેટલી છૂટ આપવી તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના આધારે ગુજરાત સરકારે લોકડાઉનમાં ઝોન આધારે છૂટછાટ આપવા નક્કી કર્યુ છે.


ગુજરાતનાં શહેરોમાં કોરાનાના વધતાં કેસો-ઊંચા મૃત્યુદરને જોતાં ગુજરાત સરકારે રેડ ઝોનમાં સમાવાયેલાં અમદાવાદ સહિત કુલ પાંચ મહાનગરોમાં બે સપ્તાહ સુધી લોકડાઉન યથાવત રાખવા નિર્ણય કર્યો છે. આ મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. બીજી તરફ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓને છૂટછાટ આપવામાં આવી છે.

જો કે રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં કોઈ છૂટ આપવામાં આવી નથી તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે. રાજકોટમાં હાલ કોરોનાના 58 કેસ નોંધાયા છે અને તે 'ઓરેન્જ ઝોન' હેઠળ છે. આ સંજોગોમાં રાજકોટમાં ઘણી છૂટ મળવી જોઈએ પણ રૂપાણી સરકારે રાજકોટ શહેરને ખાસ કેસ ગણીને તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેરમાં કોઈ છૂટ નહીં આપવાનું જાહેર કર્યું છે.

રાજકોટમાં જંગલેશ્વર સહિતના વિસ્તારો કોરાના માટે ડેન્જર ઝોનમાં છે તેથી છૂટ અપાય તો રોગચાળો ફેલાવાનો ડર હોવાથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોઇ પણ વધારાની છૂટછાટ આપવામાં આવેલી નથી અને ત્યાં રેડ ઝોનની જેમ જ લોકડાઉનનું પાલન કરવામાં આવશે. સરકાર દ્નારા લોકડાઉનમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.