રાજકોટ : શહેરમાં ગુરૂવારે બનેવીએ સાળાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારા બનેવીને ઝડપી લીધો છે. રાજકોટમાં 21 મી જાન્યુઆરીએ બપોરે સાળાની હત્યા ખૂદ તેના જ બનેવીએ કરી હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે મૃતકના સગા ભાઈની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેશની ધરપકડ કરી છે.

બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી મહેશ સદાદીયાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં હત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, કૌટુંબિક સાળો ભાવેશ કાળું ચણિયારા તેના ઘરે જ રહેતો હતો. આરોપીનું મકાન માત્ર એક રુમ રસોડુ જ હોય અને આરોપીની દીકરીઓ પણ મોટી થઈ ગઈ હતી. જેથી આરોપીએ અનેક વખત મૃતકને પોતાના ઘરે આવવાની ના પાડી હતી.

ગુરૂવારે આરોપીની પત્ની તેમજ મૃતક વચ્ચે બોલાચાલી થતી હતી. આ સમયે મહેશ ઉશ્કેરાઈ જતા શાકભાજી કાપવાની છરીથી સાળાને ત્રણ થી ચાર ઘા મારી દેતા યુવકના શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આ પછી આરોપી તાત્કાલિક પોતાના પાડોશીની રિક્ષામાં સાળાને સારવાર માટે કુવાડવા રોડ પર આવેલી મધુરમ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવેશ ઘણા સમયથી બેરોજગાર હતો. બેરોજગારીના કારણે ઘણા સમયથી મહેશ, તેની પત્ની અને મૃતક વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી.