રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં આવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, નરેશ પટેલ કઇ પાર્ટીમાં જોડાશે તેને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે નરેશ પટેલ કોગ્રેસમાં જોડાશે પરંતુ હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને કોગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનવું છે પરંતુ કોગ્રેસ હાઇકમાન્ડ આ માટે રાજી નથી અને કહ્યું હતુ કે તમને પહેલા પાર્ટીમાં જોડાવ પછી આ મામલે વાતચીત કરીશું.


જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જો કોગ્રેસ પોતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર નહી કરે તો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાશે નહી તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં સમાજ અને વડીલો ના પાડે છે એવું કહીને નરેશ પટેલ પક્ષમાં જોડાવાનો ઇનકાર કરી શકે છે.


તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે કહ્યું હતું કે તે રાજકારણમાં જોડાશે કે નહી તેને લઇને 31 મેના રોજ જાહેરાત કરી દેશે. બીજી તરફ કોગ્રેસ નરેશ પટેલને કહી રહી છે કે તમે પહેલા પાર્ટીમાં જોડાઇ જાવ અને પછી મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા કરીશું.


બીજી તરફ સમાજના સર્વેમાં જાણવા મળ્યુ હતું કે ખોડલધામ તમામ પાર્ટીઓ કરતા મોટું છે જેથી નરેશ પટેલે રાજકારણથી દૂર રહેવું જોઇએ. નોંધનીય છે કે કોગ્રેસ નરેશ પટેલની શરત નહી માને તો તે સમાજના નામે રાજકારણથી દૂર રહી ખોડલધામમાં સક્રીય રહેવાની જાહેરાત કરી શકે છે.
ગુજરાત કોંગ્રેસમાં નવા માળખાની જાહેરાત કરવાની ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલ અને કોગ્રેસ વચ્ચે સહમતિ ન સધાતા આખું સંગઠન માળખું જાહેર કરવામાં બ્લોક લાગી ગયો છે.


જો નરેશ પટેલ અને કોંગ્રેસનું ગોઠવાઇ જશે તો જૂનના ત્રીજા અઠવાડિયામાં જ રાજકોટમાં ભવ્ય સભા યોજાશે. જેમાં નરેશ પટેલની કોંગ્રેસમાં હાઇકમાન્ડના હાથે ખેસ પહેરી એન્ટ્રી થશે.