રાજકોટઃ લોકડાઉન વચ્ચે રાજકોટમાં એક શિક્ષિકાએ બે સંતાનોના પિતા અને દવાઓના ડિલરે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મળતી જાણકારી અનુસાર રાજકોટના  કાલાવડ રોડ પર આવેલી એક જાણીતી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજારવા મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભૂતખાના ચોકમાં અરિહંત ડિસ્ટ્રિબ્યૂટર નામે દવાનો વ્યવસાય કરતા દિવ્યેશ જાટકિયાએ લગ્નની લાલચ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.


ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર, આરોપી દિવ્યેશ 2018માં પીડિતાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈને લગ્ન કરી લેવાની લાલચ આપીને શિક્ષિકાનું અનેકવાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે, બાદમાં શિક્ષિકાએ લગ્નની જીદ પકડતા આરોપીએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. પીડિતા શિક્ષિકા જે સ્કૂલમાં ભણાવતી હતી તે જ સ્કૂલમાં દિવ્યેશ જાટકીયાના સંતાનો ભણતા હોવાના કારણે અનેકવાર તેમની મુલાકાત થતી હતી. તેઓ એકબીજાનો મોબાઈલ નંબર લઈને વોટ્સઅપ પર ચેટિંગ કરતા હતા.

29 વર્ષીય શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું કે,આરોપીના બંને બાળકો અભ્યાસમાં નબળા હોવાથી સ્કૂલ પછી શિક્ષિકાના ઘરે હોમવર્ક માટે જતા હતા. દરમિયાન આરોપીએ  પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાની વાત કરી હતી. બાદમાં આરોપી શિક્ષિકાને તેની ઓફિસ લઈ ગયો હતો અને તેની સાથે  બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત પોતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં દવાના હોલસેલ વેપારી હોવાનું જણાવી ગાડી, બંગલા અને સુખ સાયબીની વાતો કરી હતી. જોકે, બાદમાં આરોપીએ શરીર સુખની માંગણી કરતા શિક્ષિકાએ ઈન્કાર કર્યો હતો. જેથી આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં પીડિતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને દિવ્યેશની શોધખોળ શરૂ કરી છે.