રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલના દેરડીકુંભાજી ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતિય પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે.  પાટખિલોરી રોડ પર આવેલ ચંદુભાઈ રવજીભાઈ ગોળની વાડીએ રહેતા મજૂરે  આત્મહત્યા કરી છે.  મૃતક યુવક યુવતી છેલ્લા 10-12 દિવસથી મજૂરી કરવા માટે આવ્યા હતા.  યુવક યુવતીએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા કરી હતી. 


મૂળ મધ્યપ્રદેશના નાગપુર દૂન્ધ ગામના ચંપીલાલ સૂરસીંગ બરડે અને અજાણી યુવતીએ સજોડે લીમડાના વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.  મૃતક યુવક પરણિત હોવાની સાથે પોતાની સાળી સાથે પોતાના વતનમાંથી ફરાર થયા હોવાની પ્રાથમિક વિગતો છે.  ગોંડલના મામલતદાર અને સુલતાનપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.  મૃતક પ્રેમી પંખીડાના મૃતદેહને પોલીસે ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.  


લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ, અંતિમ સેલ્ફી લઈ યુવતીએ બે વર્ષના બાળક અને પ્રેમી સાથે આત્મહત્યા કરી 


લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક મહિલાએ તેના બે વર્ષના બાળક અને પ્રેમી સાથે આત્મહત્યા કરી હતી. કમરે દુપટ્ટો અને હાથમાં ચાર્જરનો વાયર બાંધી બે વર્ષના પુત્ર સાથે બંને ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવ્યું હતું. મૃતક મહિલા કિંજલબેન ઠાકોરના અમદાવાદમાં લગ્ન થયા હતા અને તેને બે વર્ષનો પુત્ર હતો. 23 માર્ચના રોજ યુવતીએ પ્રેમી સાથે આત્મહત્યા કરી હતી. 


આત્મહત્યા કરતા પહેલા બંનેએ તળાવના પગથિયા પાસે સેલ્ફી પડાવી સ્ટેટસમાં મુકી હતી અને મિત્રોને લોકેશન પણ શેયર કર્યું હતું.  આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.  આ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આપઘાત કરતા પૂર્વે પ્રેમી પંખીડાએ સેલ્ફી ફોટો લીધો હોવાનો પણ સામે આવ્યું હતું.  સાથે જ સેલ્ફી ફોટો લઈને વોટ્સએપના સ્ટેટસમાં અપલોડ કરીને “છેલ્લો ફોટો” નામનું વાક્ય પણ લખ્યું હતું. 


મહેસાણાના લિંચ ગામ ખાતે રહેતા સંજય ફતાજી ઠાકોર (ઉવ.22) તેમજ કિંજલ જશવંતજી ઠાકોર (ઉવ.22) તેમજ ધ્રુવીન જશવંતજી ઠાકોર (ઉવ.2)ના મૃતદેહ વેરી તળાવના પાણીમાંથી ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંજય અને કિંજલ બંને પરિણીત હોવાનું સામે આવ્યું હતું. તેમજ બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી પ્રેમસંબંધ હોવાનું પણ સામે આવ્યું હતું.  પ્રેમી પંખીડા લિંચ ગામથી ભાગીને ગોંડલ ખાતે પહોંચ્યા હતા.  તળાવની પાળી પર બેસીને ત્રણેય અંતિમ સેલ્ફી પણ લીધી હતી. અંતિમ સેલ્ફી પાડીને સંજયે તેના વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂકી હતી. આ સાથે જ પોતાના મિત્રોને મોબાઇલનું લોકેશન પણ શેર કર્યું હતું.