નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ રાજ્યસભાના ગુજરાતના સાંસદ અહેમદ પટેલનું પણ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારે વધુ એક નેતાના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી ફરી વળી છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અભયભાઈ અમારા વડીલ સમાન હતા. અભયભાઇના નિધનના સમાચારથી આગાત લાગ્યો. તેઓ આપણી વચ્ચે નથી, તે માની શકાતું નથી.
અભય ભારદ્વારનો જન્મ આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો. તેઓ ફિલ્મમાં પણ કામ કરી ચૂકેલા છે. અભય ભારદ્વાજ કેન્દ્રીય ઔદ્યોગીક જજોની પસંદગી સમિતિના સભ્ય હતા. 1977માં જનતા પાર્ટીમાં 23 વર્ષની વયે શહેર જિલ્લાના મંત્રી બન્યા હતા.રાજકોટને કર્મભૂમિ બનાવનાર અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ બીજી એપ્રીલ 1954ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. ભણવામાં તેજસ્વી અભયભાઈને યુગાન્ડા સરકારે ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. જીઝા ગુજરાતી મંડળે 13 વર્ષની વયે પ્રમુખપદ આપી બહુમાન કર્યું હતું. એસએસસી ભારતીમાં કરી મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં.
માત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં. 21 વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા હતાં. હરિયાણાના કુરૂક્ષેત્રમાં અખીલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મગામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું.
વકીલાતના વ્યવસાયમાં સફળતા મેળવનાર અભયભાઈની નીચે અત્યારે 210 જેટલા જુનિયર ધરાવવાનો વિક્રમ છે. તેમણે શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં મહત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો હતો.બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપ્ના કરી હતી.
હિન્દુ મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલજગત સહિતના દરેક આયોજનોમાં રસ લેનાર અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂંટીંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. સાથે જ ફિલ્મમાં જજનો રોલ કર્યો હતો.બાપા સિતારામ ફિલ્મમાં ક્લેક્ટરનો રોલ કર્યો હતો.
રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતાં. કાયદા પંચમાં તેમની નિમણૂંક વડાપ્રધાને કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂંક પસંદગી સમિતીના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપે છે.
અભયભાઈના પરિવારમાં પત્ની અલ્કાબેન અને ત્રણ સંતાનોમાં સૌથી મોટા આશ્કાબેન, એડવોકેટ અમૃતાબેન અને જીંદાલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પુત્ર અંશભાઈ છે. અભયભાઈના નાનાભાઈ નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વિવિધ પદો પર સેવા આપી છે...