આ અખબારી અહેવાલમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારના પર્સોનલ, શસ્ત્ર નિર્માણ અને રેલ્વે વિભાગના કર્મચારીઓને નિશાન બનાવીને તેમને છૂટા કરાશે. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, પર્સોનલ વિભાગે 30 વર્ષથી વધારે વર્ષ નોકરીમાં ગાળ્યાં હોય કે પછી 55 વર્ષથી વધારે વય હોય એવા તમામ કર્મચારીઓની વિગતો માંગી છે. આ કર્મચારીઓને કાયદો લાવીને છૂટા કરી દેવાશે. અત્યારે 60 વર્ષની નિવૃત્તિની વય છે પણ પાંચ વર્ષ પહેલાં તેમને નિવૃત્ત કરી દેવાશે અને પેશંન પણ ઓછું મળશે એવો દાવો આ અહેવાલમાં કરાયો હતો.
આ કર્મચારીઓને ગ્રેચ્યુઈટી તથા પેન્શન ઓછું મળશે તેમજ પ્રમોશનનો લાભ નહીં મળે એવો દાવો પણ કરાયો હતો. ભારત સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે. પીઆઈ ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરાઈ છે કે, સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલા આ સમાચાર તદ્દન ખોટા છે અને કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત અંગે વિચાર કરી રહી નથી તેથી મહેરબાની કરીને આ પ્રકારના ખોટા સમાચારોથી સાવધાન રહો.