મુંબઇ:  ક્રિકેટની દુનિયાનો સૌથી સફળ બેટ્સમેન અને માસ્ટર બ્લાસ્ટર તરીકેનું ઉપનામ પામેલો સચિન ટેંડુલકર પર બની રહેલી ફિલ્મ ‘એ બિલિયન ડ્રીમ્સ’નું પહેલું દમદાર ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટિઝરમાં ફક્ત તમે સચિન..સચિન.. સાંભળી શકો છો. આ ટિઝરમાં સચિનની બેક સાઇડ દેખાડવામાં આવી છે. સચિન પોતાના નિર્ણય વિશેની વાત કરતો સંભળાઇ રહ્યો છે. મોટા ભાગના ટિઝરમાં સચિનની લોકપ્રિયતા જ દેખાડવામાં આવી છે. આ ટિઝર રિલીઝ થયાના થોડા જ સમયમાં લાખો લોકોએ જોઇ કાઢ્યું છે. એટલું જ નહીં હાલમાં સોશિયલ મીડિયા પર આ ટિઝર વાયરલ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સચિનની ફિલ્મના બે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતા.


સચિન પર બની રહેલી ફિલ્મમાં તેના ક્રિકેટ કરિયર વિશે ફોકસ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે 22 વર્ષનો એક છોકરો પોતાની અસાધારણ પ્રતિભા અને કડી મહેનતના કારણે ક્રિકેટનો ભગવાન બની જાય છે. આ ફિલ્મનું ડાયરેક્શન બ્રિટિશ ડાયરેક્ટર જેમ્સ એર્સકીને કર્યું છે. મુંબઈની ફિલ્મ પ્રોડક્શન કંપની 200 નૉટઆઉટે ફિલ્મનું પ્રોડક્શન કર્યું છે.

એના પહેલા જાહેર થયેલા ટીઝર પોસ્ટરમાં સચિન પેડ પહેરતા અને હાથમાં બેટ લઈને મેદાન પર ચાલતો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર પર લખ્યું હતું કે, 55 દિવસોની ટ્રેનિંગ, સચિનની કહાની. જ્યારે સચિને ટ્વિટર પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરીને લખ્યું હતું કે, ‘આટલા વર્ષોનો પ્રેમ અને નિકટતા માટે તમારા બધાનો આભાર’.