Bihar Political Crisis :સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે વિજય સિન્હા ઉપનેતા તરીકે ચૂંટાયા છે. માનવામાં આવે છે કે આ બંને નેતાઓ બિહારના નાયબ મુખ્યમંત્રી હશે.
બીજેપી વિધાયક દળની બેઠકમાં હાજર એક નેતાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ હશે. સમ્રાટ ચૌધરી બિહાર ભાજપના અધ્યક્ષ છે અને વિજય સિન્હા વિપક્ષના નેતા છે.
ઉલ્લેખનિય છે કે, રવિવારે સવારે લગભગ 11.30 વાગે જેડીયુ વિધાયક દળની બેઠક બાદ નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મહાગઠબંધનની સ્થિતિ સારી નથી. અમે નવા ગઠબંધનમાં જઈ રહ્યા છીએ.
ભાજપ-જેડીયુની બેઠક
નીતિશ કુમારના રાજીનામા બાદ જેડીયુ અને બીજેપીના ધારાસભ્યોની સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠક બાદ નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી સહિત અન્ય નેતાઓ રાજભવન ગયા હતા. અહીં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
નીતિશ કુમાર હવે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જીતન રામ માંઝીની પાર્ટી હમ પણ નવી સરકારમાં સામેલ થશે.આ દરમિયાન ભાજપના ધારાસભ્યોની બેઠક પણ ચાલી રહી હતી. આ બેઠકમાં વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.સમ્રાટ ચૌધરી કુશવાહ જાતિમાંથી આવે છે, જ્યારે વિજય સિંહા ભૂમિહાર જાતિના છે. ભાજપ આ બંને જ્ઞાતિઓને સાધવામાં વ્યસ્ત છે.