સુરતઃ સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલોગ્રામથી વધુ એમ.ડી.ડ્રગ્સના કેસમાં કરોડપતિ પરિવારના નબિરાની ધરપકડ કરી છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા રાંદેરના સલમાનના ભાગીદાર આદિલ નુરાનીને પોલીસે કડોદરા ખાતેથી ઝડપી લીધો છે. આદિલ સુરતના અત્યંત પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલના માલિક સલીમ નુરાનીનો પુત્ર છે. સલીમ નુરાની પોતે સુરતની પોશ મનાતી કરીબામાદ સોસાયટીમાં રહે છે.


ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચે અઠવાડીયા ડુમસ રોડ કુવાડા ટી પોઈન્ટથી ભીમપોર તરફ જતા રોડ પર વોચ ગોઠવી મરૂન કલરની કાર નંબર જીજે-05-આરજે-2656માંથી મોહમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી ( રહે. એ/203, આશીયાના કોમ્પલેક્ષ, અડાજણ પાટીયા, ન્યુ રાંદેર રોડ, સુરત )ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂપિયા 10 કરોડની કિંમતનું 1 કિલો 11.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કબ્જે કરીર્યું હતું. આ ઉપરાંત રૂપિયા .38 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન, રોકડા રૂ.12,710, બે ડીજીટલ વજન કાંટા અને રૂ.2.50 લાખની કિંમતની કાર સહિત કુલ રૂ.1,04,19,410 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પુછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સંકેતને એમ.ડી.ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડી તે જ્યાં એમ.ડી.ડ્રગ્સ બનાવતો હતો તે કડોદરાના યુનિટ પર પણ છાપો મારી કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નુરાની ( રહે.કરીમાબાદ સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત ) ને કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. કંસાર હોટલના માલિકનો પુત્ર આદિલ સાધન સંપન્ન પરિવારનો છે છતાં ઘણા સમયથી એમ.ડી.ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે.