સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં 31 ડિસેમ્બરના રોજ ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘર નજીકની બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી.


આ ઘટનામાં સગા મામાનો દીકરો વિદ્યાર્થીનીને પોતાની સાથે શારીરિક સંબધ બાંધવા માટે દબાણ કરતો હતો અને વિદ્યાર્થીનીઓની ફ્રેન્ડ્સને સ્કૂલમાં જઈ ફોટો બતાવી દીધા હતા. આ કારણે બદનામી થવાના ડરથી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થતાં ઉધના પોલીસે મામાના દિકરા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની 17 વર્ષીય છોકરી સગરામપુરાની એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તેણે 31 ડિસેમ્બર 2019ના રોજ પોતાના ઘર નજીકના બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. આ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ તપાસમાં ખુલાસો થયો હતો કે, આ વિદ્યાર્થીની વતન ગઈ હતી ત્યારે તેની આંખ મામાના દીકરા શહરેઆલમ ઉર્ફે સલમાન ગુલામ મુસ્તફા અન્સારી ( ઉ.વ.20 ) ( રહે. ગહેરપુર, જી.ભદેહી, ઉત્તરપ્રદેશ ) સાથે મળી ગઈ હતી. સલમાન સુરત આવતો ત્યારે વિદ્યાર્થીનીના ઘરે જ રોકાતો હતો. વિદ્યાર્થીની એક વખત સલમાનને પોતાની સ્કૂલે લઇ ગઈ હતી ત્યારે તેની ઓળખાણ પિતરાઈ ભાઈ તરીકે આપી હતી.

જો કે, ત્યાર બાદ સલમાન છોકરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો અને એક વખત છોકરીની સ્કૂલે પહોંચી તેના છોકરી સાથેના ફોટા તેની ફ્રેન્ડ્સને બતાવતા બંનેન સંબંધનો ખુલાસો થયો હતો. છોકરીએ બદનામીની બીકે આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણમાં ઉધના પોલીસે છોકરીના પિતાની ફરિયાદના આધારે સલમાન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુ તપાસ પીએસઆઇ એમ.એન.પરમાર કરી રહ્યા છે.