ગુજરાતમાં સ્કૂલો શરૂ થયાના થોડા દિવસ પછી જ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એક સાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાજકોટની સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ હતી.



હવે સુરત શહેરમાં 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.



સુરતમાં 2 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કુલ 97 શાળા કૉલેજમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. 2320 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ શાળા-કૉલેજને કોરોના ગાઈડલાઈન પાલન કરવા સૂચના અપાઈ છે. સુરત શહેરના રાંદેર, કતારગામ અને વરાછા A ઝોનમાં પોઝિટિવ આવ્યા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 471 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે 1 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4372 પર પહોંચ્યો છે.