સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કાંઠે વ્હેલ માછલી તણાઈને આવી હતી. રવિવાર બપોરબાદ મોર ગામે દરિયામાં આવેલ ભરતીમાં તણાઇ આવેલી વ્હેલ માછલી 20 ફૂટ  લાંબી હતી. તેનો વજન 3 ટન આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. વ્હેલ માછલી કિનારા પર કાદવમાં ફસાયેલી જોવા મળી હતી. ત્યારે માછલીને  બચાવવા  સ્થાનિક યુવાનોની મહેનત સાથે તંત્ર પણ કામે લાગ્યું હતું.  કિનારા પર વહેલ માછલીને  જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.


ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રોજની માફક રવિવારે પણ બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોંચી ગયા હતા.  ભરતીના પાણીમાં વહેલ માછલી  અંદાજિત 20 ફૂટ જેટલી લાંબી તણાઇ આવી હતી. 




ભરતીના પાણીમાં મોર ગામના કિનારે આવી પહોંચેલી વ્હેલ પાણી ઓસરતા સાથે દરિયામાં પરત જવાને બદલે વ્હેલ માછલી કાદવમાં ફસાઈ જતાં દરિયા કિનારે રહી ગઈ હતી.  મોર ગામના દરિયામાં માછીમારી કરવા જતાં યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયા કિનારા પર કાદવમાં વહેલ માછલી જોતાં આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરતાં ગ્રામજનોમાં કુતૂહલ સર્જાવા સાથે વ્હેલ માછલીને  જોવા ગ્રામજનોની ભીડ જામી હતી.


વન વિભાગ અને ગ્રામજનો દ્વારા માછલીને દરિયામાં મોકલવામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. બોટ દ્વારા માછલીને દરીયાના પાણીમાં લઇ જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.  


ગ્રામજનોએ વ્હેલ માછલીને દરિયામાં છોડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.  જોકે ભારેભરખમ માછલી હોવાનો કારણે ગ્રામજનોને મુશ્કેલી પડી હતી.  ગ્રામજનોએ જણાવ્યું કે, દરિયા કિનારે આ ભારે ભરખમ વ્હેલ માછલી તણાઈ આવી ગઈ છે, જેને લઈ અમે વહીવટી તંત્રને પણ જાણ કરી હતી. વધુમાં ઉમેર્યું કે, અમે ગ્રામજનો એકઠા થઈ આ માછલી દરિયામાં છોડવા માટે પણ પ્રયાસો હાથ ધર્યા હતા. 


હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી વરસાદની આગાહી  


હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial