કેતને ભીડનો હિસ્સો બનવાને બદલે જીવ બચાવવા ચીચયારીઓ પાડી રહેલા વિદ્યાર્થીઓની મદદ કરવાનો મનોમન નિર્ધાર કર્યો હતો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યાં વિના બિલ્ડિંગની પાળીઓના સહારે તે ત્રીજા માળે પહોંચી ગયો હતો.
સુરતી આ હીરોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગથી બચવા બીજા માળેથી મોતની છલાંગ લગાવી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના હીરો કેતને જણાવ્યું હતું કે, આગ લાગવાની ઘટના સમયે મેં જોયું કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મેં બીજા માળે જઈ તેમને બચાવવાની કોશીસ કરી હતી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો હતો.
કેતન જોરવાડીયાએ ત્રીજા માળે પહોંચી અનેકની જિંદગી બચાવી હતી. બિલ્ડીંગ પરથી કૂદકો લગાવવાને બદલે પાળીના સહારે કેવી રીતે નીચે સુધી પહોંચી શકાય તેનું ધ્યાન દોર્યું હતું. ફસાયેલા વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં મદદ કરી હતી. હીરો કેતનની આ વીરતાને કારણે અનેક જિંદગી બચી ગઈ હતી.
પોતાનો જીવ જોખમમાં મુકી કેતને કરેલી કામગીરીને નજરોનજર નિહાળનારા લોકોએ સલામ કરી હતી. આ પીડાજનક પરિસ્થિતિમાં પણ કેતને કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. કટોકટીના સમયે કેતને વિદ્યાર્થીઓની મદદ નહીં કરી હોત તો મૃત્યુઆંક વધ્યો હોત એવું સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું.