સુરત: મહુવા તાલુકાના ઓન્ડચ ગામે પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે 25 વિઘાથી વધુ મહામૂલી જમીનનું ઉભા પાક સાથે ધોવાણ થયું છે. ડ્રેનેજ વિભાગની અણઆવડતના કારણે સાત જેટલાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આ મામલે ખેડૂતોએ સરકાર પાસે પાક વળતર અને જમીન પાછી યથાવત સ્થિતિમા લાવવાની માંગ કરી છે.




સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઓન્ડચ ગામે પૂર્ણા નદીના કિનારે આવેલી 25 વિઘા જેટલી મહામૂલી જમીનનું ધોવાણ થઇ ગયું છે. ઉપરવાસમા પડેલા વરસાદને લઇને પૂર્ણા નદીમાં પૂર આવ્યું હતું. જેને કારણે જમીનનું ધોવાણ થયું છે. બે વર્ષ પહેલા વ્યારા ડ્રેનેજ વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોની સુખાકારી માટે ઓન્ડચ ગામે પૂર્ણા નદીમાં ચેક ડેમ બનાવામાં આવ્યો હતો અને સાથે સાથે જમીનનું ધોવાણ અટકે એ માટે નાની એવી પ્રોટેકશન વોલ પણ બનાવામાં આવી હતી.


પરંતુ ગત વર્ષે જ પૂર્ણા નદીમાં પૂર આવતા પ્રોટેકશન વોલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો અને ગત વર્ષે જ જમીનનું ધોવાણ શરૂ થઇ ગયું હતું. જોકે આખા વર્ષ દરમ્યાન ડ્રેનેજ વિભાગની આંખ નહોતી ખુલી અને ચોમાસું બેસવાના 15 દિવસ પહેલા ડ્રેનેજ વિભાગે મરામતનું કામ શરૂ કર્યું હતું. જોકે વરસાદે ધબધબાટી બોલાવતા કામ બંધ થઇ ગયું અને ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડ્યું. પૂર્ણા નદીમાં પૂર આવતા પાણીએ વહેણ બદલ્યું અને તૂટેલી પ્રોટેકશન વોલ તરફથી આગળ વધી અને જેને લઇ નદી કિનારે ઉભા પાક સાથેની આશરે 25 વિઘા જેટલી જમીન એક જ ઝાટકે ધોવાઈ ગઈ અને હજુ પણ જમીનનું ધોવાણ થઇ જ રહ્યું છે.




ઓન્ડચ ગામે પૂર્ણા નદી કિનારે આવેલી જમીનમાં શેરડી અને આંબાની કલમો હતો. જમીન ધોવાણ થવાને લઇ આશરે અઢીસો જેટલાં પુક્ત વઇના આંબા જયારે પાંચથી સાત વિઘા જેટલી ઉભી શેરડી પાણીમા વહી ગઈ છે. સાથે સાથે એક ખેડૂત દ્વારા પોતામાં ખેતરમા બનાવામાં આવેલું સ્વિમિંગપુલ સાથેનું ફાર્મ હાઉસ જમીનદોસ્ત થઇ પૂર્ણા નદીના પાણીના વહેણમા ધોવાઈને વહી ગયું છે. મહામૂલી જમીન, જમીનમા ઉભેલો મહામુલો પાક અને ફાર્મ હાઉસ મળી કરોડો રૂપિયાનું નુકશાન સાત જેટલાં ખેડૂતોને થયું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તેમને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે અને પોતાની ધોવાણ થઇ ગયેલી જમીનમા પુરાણ કરી ફરીથી તેને યથાવત સ્થિતિમા લાવી આપવામાં આવે અને જેમ બંને તેમ જલ્દી મજબૂત પ્રોટેકશન વોલ બનાવામાં આવે જેથી જમીનનું વધુ ધોવાણ થતું અટકાવી શકાય.