સુરત: પોલીસ અને રાજ્ય સરકારની અનેક પહેલ છતા ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પોલીસે થોડા સમય પહેલા લોક દરબારના માધ્યમથી વ્યાજખોરો સામે કાર્યવાહી પણ કરી હતી. પરંતુ તેમ છતા હજુ પણ રાજ્યના લોકોને વ્યાજખોરો પોતાની ચૂંગાલમાં ફસાવી રહ્યા છે અને પઠાણી ઉઘરાણી કરી હેરાન કરી રહ્યા છે.


હવે વ્યાજખોરોના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. વ્યાજના ચક્કરમાં ફસાયોલો ભાવનગરનો ગરીબ ખેડુત પરીવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા તેમના નિવાસસ્થાને સુરત પહોંચ્યો છે. આ પીડિત પરવિરા ભાવનગર જીલ્લાના સણોસરા ગામનો છે. અહીં ગરીબ ખેડુત પરીવારની રોજી રોટી છીનવી વ્યાજખોરોએ આ પરિવારને કંગાળ કરી નાખ્યું છે. ઉચા વ્યાજદરે રૂપીયા આપી પછી મોટી રકમની માંગ કરી હતી. અંતે ખેડુતે રુપીયા નહીં ચુવકી શકતા પોતાની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.


જો કે, ચોંકાવનારી વાત એ છે કે, બે લાખ પચાસ હજારમાં પચીસ લાખની કિંમત જમીન પચાવી પાડી હોવાનો આરોપ વ્યાજખોરો સામે લાગ્યો છે. હવે આ મામલે 5 ટકા વ્યાજદરની ચીઠ્ઠી મુખ્ય પુરાવો બનશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પરિવારને ન્યાય અપાવવાની બાહેંધરી આપી હોવાની વાત સામે આવી છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે.


કેમ લીધો નિર્ણય


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં મળેલી રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હક્કો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી, નોકરી, સલામી ભરવા જેવા વિવિધ ઇનામો નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેડનારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકીહકકો આપવામાં આવ્યા છે. આવા માલિકીહક્કો મેળવવા માટે સમયમર્યાદામાં કબજાહક્કની રકમ ભરવી અનિવાર્ય હતી, પરંતુ ખેડૂતો તેમની કાયદાની અજ્ઞાનતાના લીધે આ કબજાહક્કની રકમ નિયત સમયમર્યાદામાં ભરી શક્યા નથી, જેથી તેમને આ જમીનો પરના સંપૂર્ણ માલિકીહક્ક મળેલ નથી અને તેઓ લીટી નીચેના કબજેદાર તરીકે ચાલતા આવેલા છે. એટલું જ નહીં, આવા લીટી નીચેના કબજેદારો દ્વારા જમીનો પરત્વે ઉત્તરોતર વેચાણો પણ કરવામાં આવ્યા છે. આવા જમીનધારકોના કબજાઓ નિયમિત થયા ન હોવાના લીધે આવા કબજેદારો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોથી વંચિત રહી જવા પામતા હતા.  તેમજ આવી જમીનોના તબદીલી અને હેતુફેરના સમયે ટાઇટલ ક્લિયરન્સના પ્રશ્નો બહોળી માત્રામાં ઉપસ્થિત થયા હતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ થયેલી રજૂઆતોના આધારે એવું પણ ધ્યાનમાં આવ્યું કે હાલના જમીનધારકોને આવી જમીનોના વિકાસ કાર્યો કરવામાં અવરોધ ઉપસ્થિત થતો હતો. મુખ્યમંત્રીએ રાજ્યમાં સુશાસનને વધુ વેગ આપતાં પારદર્શી અને સરળ વહીવટી પ્રક્રિયાઓ સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે આવા જમીનધારકોના કબજાઓ નિયમબદ્ધ કરી આપવાના જે દિશા નિર્દેશો આપેલા હતા તેને પગલે હવે આવા કબજાઓ નિયમબદ્ધ થઈ શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણના ભાગરૂપે એવો પણ નિર્ણય કર્યો છે કે અગાઉ આવા કબજાઓ જિલ્લા કલેકટર કક્ષાએ નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આમ, આવી જમીનોના સ્વત્વાર્પણ, બિનખેતી પરવાનગી, વિકાસની કામગીરી પરત્વે ઉપસ્થિત થતા ટાઇટલ ક્લીયરના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ખેડૂતોના વિશાળ હિતમાં જિલ્લાકક્ષાએ આવા પ્રશ્નો સરળતાએ હલ થઈ શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.