સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી છે. ત્યારે સુરત મનપા કમિશનરે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યા હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, સુરતમાં વધુ 3 લોકોમાં કોરોના વાયરસના વિદેશી સ્ટ્રેનમળી આવ્યા છે. જેમાં 2 દર્દીઓ UK કોરોના સ્ટ્રેનના 2 અને આફ્રિકન સ્ટ્રેનના લક્ષણો ધરાવે છે.
આ સાથે જ મનપાના કમિશનરે નાગરિકોને કોઇપણ સંજોગોમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને ટોળામાં ફરવા કે જાહેર મેળાવડાઓમાં નહીં જવા માટે અપીલ કરી હતી. સાથે જ સુરતીઓને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.