સુરત: સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે આંતરરાજ્ય ગજ્જર ગેંગના દીલ્હી, હરીયાણા ખાતેથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં દિવસ દરમ્યાન VIP વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા. આ ગેંગ દ્વારા ગત 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા અને હોટલોમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા વીઆઈપી વિસ્તારમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારના એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. તે મકાન માંથી આશરે 2.65.000 લાખ રૂપિયાની ચોરી કરી  હોવાની કબુલાત કરવામાં આવી છે.


આ ઉપરાંત 3 મહિના પહેલા વડોદરા શહેરમાં પણ વાડી-પાણીગેટ-નવાપુર વિસ્તારમાં બંધ ફ્લેટ્સે ટાર્ગેટ કરી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. તે ઉપરાંત અમદાવાદ-રાજકોટ-પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરી હતી. આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત, દિલ્હી,  મહારાષ્ટ્ર, બેંગ્લુરુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન ખાતે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરે છે અને રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્હી ખાતે વેચાણ કરે છે. હાલ ત્રણે આરોપીઓની વધુ પૂછપરછ પોલીસ દ્વારા  કરવામાં આવી રહી છે. 


સુરતના અડાજણમાં ચોરી કરી હતી


આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચના PI લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે, ગત 22મી ડિસેમ્બરના રોજ અડાજણ વિસ્તારમાં આવેલ આનંદ મહેલ રોડ ઉપર એક બંધ ફ્લેટમાંથી આશરે 2.65.000 લાખ રૂપિયાની ચોરીની ઘટના બની હતી અને આ ચોરી દિવસ દરમિયાન કરવામાં આવી હતી જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં અમારી ટીમને બાતમીદારો તથા ટેકનીકલ સર્વલેન્સના આધારે એવું જાણવા મળ્યું કે દિલ્હી ખાતે રહેતી ગજર ગેંગ જે સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચુકી છે. આજ ગેંગ દ્વારા આ ચોરી કરવામાં આવી છે. 


આરોપીઓ ગજ્જર ગેંગના નામથી જાણીતા


પોલીસ ઈન્સપેક્ટરે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે,  જેથી તાત્કાલિક ધોરણે અમારી એક ટીમ દિલ્હી અને હરિયાણા જઈ ત્યાંથી આરોપી લલીત શીવજી શાહુ, મનોજ જયભગવાન કાયત અને સંદીપ ઓમપ્રકાશ ધનખડ એમ કુલ ત્રણ આરોપીઓની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. વધુમાં જણાવ્યું કે, પકડાયેલ ત્રણ આરોપીઓમાંથી લલિત અને મનોજ દિલ્હી અને હરિયાણામાં ઘણા બધા ગુન્હાઓમાં પકડાઈ ચુક્યા છે.  આ લોકો ગજ્જર ગેંગના નામથી જાણીતા છે. આ ગેંગ દ્વારા દિલ્હી અને હરિયાણાથી ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં જાય છે અને ત્યાં હોટલમાં રોકાઈ કાપડના વેપારીઓ બનીને દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં રેકી કરે છે. 




બંધ ફ્લેટને ટાર્ગેટ કરતા હતા


જે સોસાયટી બિલ્ડીંગોમાં વોચમેન નથી હોતા અથવા તો બંધ ફ્લેટ હોય તો તેને ટાર્ગેટ કરી તેમાંથી રોકડા રુપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા હતા.  આ જ રીતે અડાજણ વિસ્તારમાં આવેલ આનંદ રોડ ઉપર આ લોકોએ ચોરી કરી હતી. તથા ત્રણ મહિના પહેલા વડોદરાના પાણી ગેટ વિસ્તારમાં પણ બંધ ફ્લેટ માંથી રોકડ રૂપિયાની ચોરીઓ કરી હતી. આ ગેંગ દ્વારા અમદાવાદ વિસ્તારમાં મણીનગર ખાતે પણ બંધ ફ્લેટનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ સિવાય પોરબંદર, રાજકોટમાં પણ આ ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 


અનેક રાજ્યોમાં ચોરી કરી છે


આ ઉપરાંત ગેંગ દ્વારા સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર, હૈદરાબાદ, બેંગ્લુરુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા તમામ રાજ્યોમાં રોકડા સોના ચાંદીની ચોરીઓ કરી હતી. હાલમાં ત્રણે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તથા તેમના અન્ય સાથી મિત્રોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. ઉપરાંત આરોપી સંદીપ જે દિલ્હીમાં આર્મ્સ એક્ટના ગુન્હામાં પકડાઈ ચુક્યો છે. તથા તેનો મિત્ર લલિત તે  લૂંટ કરવામાં માહિર છે. તથા બંદૂક સાથે રાખીને તેઓ લૂંટ અને ચોરીઓ કરે છે.