Surat Education News: ગુજરાતમાં છાશવારે બનતી શિક્ષણની ધજ્જીયાં ઉડાડતી ઘટનાઓથી સામે હવે તંત્ર સજાગ બન્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર શિક્ષણ અને શિક્ષણની કામગીરીને લગતી બાબતોને લઇને વિવાદો ઉભા થયા છે. વિદ્યાર્થીઓની શિક્ષા અને માનસિક ત્રાસ જેવા મુદ્દાઓ પણ આમા સામેલ છે, જોકે, હવે આ મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ એક મોટો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ હાલમાં એક પરિપત્ર બહાર પાડીને જિલ્લાની સ્કૂલોને તાકીદ કરી છે કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં શારીરિક કે માનસિક ત્રાસ આપવો જોઇએ નહીં, જો આમ થશે તો કાર્યવાહી કરવામાં આવી શકે છે. 




મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ તાજેતરમાં જ એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યુ છે કે, હવેથી જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પર જુલ્મ કરવામાં આવશે નહીં, સુરત જિલ્લાની કોઇપણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. પરિપત્ર અનુસાર, જિલ્લાની સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલોમાં બાળકોને શિક્ષા કરવાથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારે ભયની માનસિકતા વિકાસ પામે છે, અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. જો આવી કોઈ ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ્દ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખાશે. રાઇટ ઓફ ચિલ્ડ્રન ટૂ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યૂકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે, એટલુ જ નહીં હાલમાં આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ-2012 સમગ્ર રાજ્ય પણ અમલમાં છે.








શિક્ષકોની બદલીને લઇને મોટા સમાચાર, મે મહિનામાં યોજાશે જિલ્લા ફેર બદલી કેમ્પ 


રાજ્યમાં ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનારી શિક્ષકોની બદલીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મે મહિનામાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક બદલી કરવામાં આવનારી છે, જે અંગે નૉટિફિકેશન સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બદલીને લઇને વાતો ચાલી રહી છે, હવે આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક જિલ્લાફેર બદલી કરવામાં આવનારી છે. આગામી 31 મે એટલે કે, 31- 5- 2024 ના રોજ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં વય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ યોજાશે. આ બદલી કેમ્પને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખી જાણ પણ કરવામાં આવી ચૂકી છે. 31 મે, 2024ના રોજ નિવૃત્ત થતાં શિક્ષકોને ધ્યાનમાં રાખીને માહિતી એકત્ર કરવા આદેશો પણ અપાયા છે.