National Games: સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો છે. જેમાં ટેબલ ટેનિસની મેન્સ પ્રથમ મેચમાં ગુજરાત ટીમનો વિજય થયો છે. ગુજરાત ટીમે હરિયાણાને 3-1 થી હરાવ્યું હતું. હરમીત દેસાઈએ હરિયાણાના સૌમ્યજીતને 3-1થી હરાવ્યો હતો, જ્યારે માનવ ઠક્કરે 3-0થી વેસ્લે રોસીરિયોને પછડાટ આપી હતી. સાથે સાથે માનુષ શાહે જુબીન કુમારને 3-1થી હરાવ્યો છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ટેબલ ટેનિસ જોવા છ હજારથી વધુ યુવાઓ ઉમટી પડ્યા હતા.


સુરતમાં 2015 બાદ ઈન્ડોર સ્ટેડિયમમાં મોટી ટૂર્નામેન્ટ હોય સુરતીઓમાં નેશનલ ગેમ્સ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે પહેલા દિવસે ઇન્ડોર સ્ટેડિયમમાં 24 મેચનું આયોજન કરવામા આવ્યું છે. પહેલા દિવસે સુરતીઓમાં ટેબલ ટેનિસની રમત પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઇન્ડોર સ્ટેડિયમમાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સુરતીઓ મેચની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા.


સુરત સહિત ગુજરાતના છ શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ માટેની તડામાર તૈયારીઓ વચ્ચે આજથી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનો ઉત્સાહ વચ્ચે પ્રારંભ થયો હતો. સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં બપોરે 11 વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમમાં મહિલા અને પુરુષ ટીમોની ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી આગામી 2 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે. ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો  છે. આ પહેલાં 2015માં સુરતના નેશનલ ગેમ્સમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું હતું તે પણ ટેબલ ટેનિસની જ સ્પર્ધા હતી. 


ગુજરાત સ્ટેટ ઓથોરીટી દ્વારા 15 ડિસેમ્બર 2015થી 21 ડિસેમ્બર 2015 દરમિયાન આ સ્પર્ધા થઈ હતી. ત્યારબાદ ઝોનની સ્પર્ધા યોજાતી હતી પરંતુ લાંબા ગાળા બાદ નેશનલ ગેમ્સ માટે ઈન્ડોર સ્ટેડિયમ ઉપયોગમાં આવી રહ્યું છે. લાંબા સમય બાદ સુરતમાં નેશનલ ગેમ્સનું આયોજન હોવાથી ગેમ્સ શરુ થાય તે પહેલાં જ રમત પ્રેમી સુરતીઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવવાના શરૂ થઈ ગયું હતું. કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સુરતીઓ ઇન્ડોર સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા. રમત શરૂ થાય તે પહેલા જ સ્ટેડિયમ હાઉસ ફુલ જેવું થઈ ગયું હતું અને છ હજારથી વધુ લોકો મેચ જોવા માટે પહોંચી ગયા હતા. 


ટેબલ ટેનિસની આ ટુર્નામેન્ટમાં કુલ આઠ રાજ્યની ટીમોએ ભાગ લીધો છે. જેમાં મેન્સના ગ્રુપ એ માં ગુજરાત, દિલ્હી, હરિયાણા અને તેલંગાણાની ટીમ છે. જ્યારે ગ્રુપ બીમાં મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ટીમ સામેલ છે. જ્યારે મહિલાઓની ટીમમાં ગ્રુપ એમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત અને હરિયાણાની ટીમો અને ગ્રુપ બીમાં વેસ્ટ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ટીમ સામેલ છે. આ આઠ રાજ્યોની ટીમ સાત ગોલ્ડ મેડલ માટે આજે મેદાનમાં ઉતરી છે. 


આજે સવારથી મહિલા અને પુરુષોની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સૌનું ધ્યાન ગુજરાતની ટીમના હરમિત દેસાઈએ ખેંચ્યું હતું. હરમિત દેસાઈ ગુજરાત અને ખાસ સુરતનો હોવાથી સુરતવાસીઓ માટે તેને જોવાનો એક લ્હાવો હતો. હરમિતની ટીમમાં તેની સાથે માનવ ઠક્કર અને માનુસ શાહ રમ્યા હતા. ગુજરાત ટીમની પ્રથમ મેચ હરિયાણાની ટીમ સામે હતી. જેમાં ગુજરાતની ટીમે હરિયાણાને 3-1 થી હરાવ્યું હતું. જેમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનવ શાહ ત્રણેયનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું. સામેની ટીમ મજબૂત હોવા છતાં પણ ગુજરાતના આ ખેલાડીઓએ તેમને ચારો ખાને ચિત્ત કરી દીધા હતા અને આ દિવસની પ્રથમ મેચ પોતાના કબજે કરી હતી.