સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 172 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 2 કલાકમાં જ સુરતના માંગરોળમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. આ પછી સુરતના કામરેજમાં પોણા 5 ઇંચ અને ઉમરપાડામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય માંડવી અને સુરત શહેરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.


જ્યારે બારડોલીમાં પોણા ત્રણ ઇંચ, સુરતના ચોર્યાસી, ગીર સોમનાથના કોડીનાર, ભરુચના નેત્રંગ, સુરતના પલસાણા, મહુવામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નર્મદામાં સાગબારામાં 2 ઇંચ , ડેડિયાપાડામાં 2 ઇંચ, કરજણ, ભરુચના વાલિયા, ગીર સોમનાથના ઉના, જૂનાગઢના વંથલી , તાપીના વ્યારા, વાલોડમાં પોણા બે ઇંચથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આ સિવાય વડોદરા, ખેડા, પોરબંદર, નવસારી, અમરેલી, વલસાડ, બોટાદ, જૂનાગઢ, તાપી, છોટાઉદેપુર, જામનગર, ભરુચ, મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે પંચમહાલ, ડાંગ, દાહોદ, ભાવનગર, વડોદરા, ભરુચ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, વલસાડ, સાબરકાંઠા, જુનાગઢના કેટલાક વિસ્તારમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.