Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોકટર સામે ગંભીર આરોપ લાગ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીથી 4 વર્ષનાં બાળકનો હાથ કાપવો પડ્યો હોવાનો આરોપ છે. ડોકટરે બાળકને હાથમાં ઇન્જેક્શન મૂકીને ઇન્ફેક્શન કરી દેતા હાથ કાપવાનો વારો આવ્યો હોય તેવા આક્ષેપો પરિવારે કર્યા છે. મૂળ બિહાર ઔરંગાબાદ જિલ્લાના વતની ઉપેન્દ્ર શિંગ ભરણશિંગ રાજવંશી હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે. પત્ની વિજાન્તી દેવી, પુત્ર વિષ્ણુ, મહેશ અને ગણેશ (4 વર્ષ) સાથે રહે છે.


ઉપેન્દ્ર શિંગ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉઠાવવાનું છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.  ઉપેન્દ્ર શિંગની પત્ની વિજાન્તી દેવીને 13 નવેમ્બરના રોજ સવારે ઝાડા થતા હતા. જેથી વિજાન્તી દેવીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર માટે તેને કિડની બિલ્ડિંગના છઠ્ઠા માળે દાખલ કરી હતી. 14 નવેમ્બરના રોજ ઉપેન્દ્ર શિંગ 4 વર્ષના ગણેશ સહિત ત્રણેય બાળકને હોસ્પિટલમાં મૂકીને ઘરે જમવાનું લેવા માટે ગયો હતો.


તે દરમિયાન ગણેશ ભાઈઓ સાથે રમી રહ્યો હતો. ત્યારે રમતાં રમતાં ગણેશ છઠ્ઠા માળના દાદરના ભાગથી પાંચમાં માળ તરફ નીચે પડ્યો હતો. જેથી તેને માથામાં કપાળના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. ઉપેન્દ્ર શિંગ ઘરેથી આવ્યા બાદ તેને ઘટના અંગે જાણ કરી હતી. જેથી ઉપેન્દ્ર શિંગે ગણેશને સાતમાં માળે ડોકટરને બતાવીને દવા લઈને આવ્યો હતો. ત્યારબાદ વિજાન્તી દેવીને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.


ઘરે આવ્યા બાદ ગણેશની તબિયત લથડતાં ઉપેન્દ્ર શિંગે તાત્કાલિક ગણેશને લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો.  જ્યાં ડોકટરે ગણેશને જમણા હાથમાં ઇન્જેક્શન મૂકવાની સાથે એક બોટલ ચડાવી હતી. ત્યારબાદ ગણેશને હાથમાં ઇન્ફેક્શન જેવું થવા લાગ્યું હતું અને હાથ કાળો થઈ ગયો હતો.  જેથી તેને નવી સિવિલ જૂની બિલ્ડિંગમાં G/2 વોર્ડમાં દાખલ કર્યો હતો. જે ઇન્ફેક્શનથી ગણેશનો હાથ સારો નહી થતાં 27 નવેમ્બરના રોજ ગણેશનો જમણો હાથ અડધો કાપવો પડ્યો હતો.


ગણેશના પિતા ઉપેન્દ્ર શિંગએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી મારા છોકરાનો અડધો હાથ કાપવો પડ્યો હતો. ગણેશને અહીં સારવાર માટે લઈને આવ્યા બાદ ડોકટરે ઉપરા-ઉપરી ઇન્જેક્શન મૂકી રહ્યા હતા. બંને હાથ સાથે સ્વસ્થ આવેલા ગણેશની જીંદગી બગડી ગઈ છે.