Surat: સુરતમા સીમકાર્ડના રેકોર્ડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરત પીસીબીએ પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પીસીબીને  માહિતી મળી હતી કે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક શખ્સો પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડનું રેકેટ ચલાવે છે.  જેના આધારે પોલીસે વિજય રાઠોડ, વિકાસ વાઘેલા અને મિતેશ બોરીચાની ધરપકડ કરી હતી.


પોલીસને આરોપીઓ પાસેથી 84 પ્રિ-એક્ટિવેટેડ તથા અન એક્ટિવિટેડ સીમકાર્ડ મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે વિજય રાઠોડ વોડાફોનનું સીમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકનો વિગત લઈ તેઓની જાણ બહાર તેમના આઈડી પોતાની પાસે રાખી લેતો હતો અને બાદમા આ ગ્રાહકોના આઇડી પરથી સીમકાર્ડ એક્ટિવેટેડ કરતો હતો. બાદમાં આ રીતે એક્ટિવેટેડ કરેલા સીમકાર્ડ જેમની પાસે આઈડી પ્રુફ ન હોય તેવા લોકોને ઉંચા ભાવે સીમકાર્ડનું વેચાણ કરતો હતો. હાલ આ રેકેટમાં વધુ બે વ્યકિતના નામ ખૂલ્યા છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.


સુરતમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટને રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચિયો અધિકારી તેજસ પ્રકાશચંદ્ર આરિવાળા પાલિકાની મુખ્ય કચેરીનો ચીફ એકાઉન્ટન્ટ છે, જ્યારે કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખુભાઇ પટેલની ધરપકડ કરાઈ છે.

સિક્યોરિટી પેટે ડિપોઝીટ કરેલા રૂપિયા પરત મેળવવા ઇજારદાર દ્વારા અરજી કરાઈ હતી. જે રૂપિયા પરત કરવાના અવેજ પેટે ઇજારદાર પાસેથી આરોપીએ 2.50 લાખની માંગ કરી હતી. ઇજારદાર દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ છટકાનું આયોજન કરાયું હતું. ઘોડ દોડ રોડ સ્થિત પંચોલી સોસાયટી નજીક લાંચ લેતા પટાવાળાને ઝડપી પડાયો હતો, જ્યારે ફરિયાદી સાથે લાંચ પેટે હેતુલક્ષી વાતચીત કરનાર ચીફ એકાઉન્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી.


ગઈકાલે નવસારી જિલ્લા અને બીલીમોરામાંથી પસાર થતાં ડીએફસીસી પ્રોજેક્ટની કામગીરી કામ કરતી ખાનગી કંપનીનાં મેનેજરે પેટા કોન્ટ્રાકટરને કામગીરી રિન્યુ કરી આપવાના કામમાં રૂ.1 લાખની લાંચની માંગ કરતાં જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરતા લાંચ માંગનાર ખાનગી કંપનીનો મેનેજર એસીબીના હાથે બીલીમોરામાં આબાદ ઝડપાઇ ગયો હતો. એસીબી તેને વધુ પૂછપરછ અર્થે ચીખલી સર્કિટ હાઉસમાં લઈ ગઇ હતી.