સુરત: સુરતમાં એક અકસ્માતની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જે જોઈને લોકો અંચબામાં આવી ગયા હતાં. સુરતની એક સોસાયટીમાં બાળક છત્રી નીચે રમતમાં વ્યસ્ત હતો તે સમયે એક કાર ચાલક પોતાની કાર રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન આ બાળક કાર નીચે આવી ગયો હતો. જોકે આ ઘટનામાં બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં રહેતો 5 વર્ષનો દીપ પાનસુરીયા નામનો એક બાળક છત્રી નીચે રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીના જ એક રહીશની કાર તે નાના બાળક પર ફરી વળી હતી. જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ બાળક છત્રી સાથે સોસાયટીમાં અવર-જવરના રસ્તા પર રમી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીનો જ રહીશ કાર રિવર્સ લઈ રહ્યો હતો. જોકે, આ બાળક રમતાં-રમતાં અચાનક છત્રી લઈ નીચે બેસી ગયો હતો. જેના કારણે કાર રિવર્સ લઈ રહેલા ચાલકને આ બાળક દેખાયો ન હતો. જેના કારણે તેણે બાળક પર કાર ચઢાવી દીધી હતી. જોકે, આ ઘટનામાં બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના બાદ બાળકની માતા સહિત આસપાસના ટોળાં ભેગા થઈ ગયા હતા.