Surat : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કરૂણ ઘટના ઘટી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામે તળાવમાં ડૂબી જતા ભાઈ-બેહનનું મૃત્યુ થયું છે. 8 વર્ષ ની માંહેનુંર અને 10 વર્ષના ઇલ્યાસનું રમતા રમતા તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. મૃતક બંને માસીયાઈ ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું છે. 


કિશોરી માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામની જ્યારે કિશોર બારડોલીના કડોદ ગામનો હોવાનું જાણવા મળેલ છે. આ બંને માંગરોળ તાલુકાના લીમોદરા ગામે મામાના ઘરે રહેવા માટે ગયા હતા. ઘટનાની જાણ થતા માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


દાહોદમાં બે બાળકી તળાવમાં ડૂબી 
ગત તારીખ 14  જૂને દાહોદ જિલ્લાના  ખરોદા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખરોદાના ગામતળ ફળિયાના સિંચાઈ તળાવમા 4 બાળકી અને 1 બાળક ન્હાવા ગયા હતા.  2 બાળકી અને 1 બાળકનો આબાદ બચાવ થયો હતો.  જો કે 9 વર્ષ અને 10 વર્ષની બાળકીનું મોત થયું હતું. ગ્રામજનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. પોલીસે  ઘટના સ્થળે પહોંચી  મૃતદેહને પોસ્ટમોર્ટમ  માટે દાહોદ મોકલ્યા હતા. ઘટનાને લઈ વિસ્તારમાં ગમગમી છવાઈ હતી. 


કચ્છના યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત 
ગત તારીખ 5 જૂનના રોજ કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની હતી. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકનો મૃતદેહ  વ્યાપક શોધખોળના અંતે બીજે દિવસે રવિવારે મળી આવ્યો હતો. સોમવારે તેના વતન ખાતે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.


આ અંગે મળતી વિગતો મુજબ, શનિવારે કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. પરિવારજનો સહિત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર આવ્યો હતો. દરમિયાન કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી કલ્પેશની શોધખોળ ચાલુ કરાઇ હતી. રવિવારે બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો.