Surat: શહેરના વરાછા વિસ્તારમાં ફેસબુક મેસેન્જરના માધ્યમથી સંપર્ક કરી વ્યક્તિને જાળમાં ફસાવી તેને મળવા માટે બોલાવી હતી. એકાંતનો લાભ લઈને આગળ અન્ય વ્યક્તિઓ આવી પોલીસને ઓળખ આપી તેને માર મારી તેની પાસેથી પૈસાની માંગણી કરવાની ઘટના સામે આવી હતી. જો કે, 9 લાખ રૂપિયા માંગી નકલી પોલીસ દ્વારા ધમકાવવાનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યારે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
સુરતના અલગ અલગ વિસ્તારમાં ફેસબુકના માધ્યમથી મેસેન્જર દ્વારા સંપર્ક કરી વ્યક્તિ સાથે સારી સારી વાતો કરી તેને પોતાના પ્રેમમાં ફસાવી મળવા બોલાવે. ત્યારબાદ તેને મળીને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માગણી કરતાં અને વ્યક્તિને માર મારી તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પોતાની ઓળખ પોલીસ બનાવી છેતરપિંડી કરતા હોવાનો મામલો સામે આવ્યો હતો.
વરાછા વિસ્તારના એક વેપારીની સાથે ઓળખ કરી મહિલાએ તેને મળવા માટે હરીધામ સોસાયટીમાં બીજા માળે મકાન નં-144માં લઈ જઈ એક રૂમમાં સાથે શારીરિક સંબંધ બાંધવાનો ડોળ કરનાર સ્ત્રી તથા મકાન ખાતે હાજર અન્ય બહેન કે તેમણે તથા આ મકાનના માલિક તથા મકાનમાં ફરીયાદીને ગડદાપાટુનો માર મારી ફરીયાદીનો વીડિયો વાયરલ કરવાની તેમજ રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
બાદમાં શરૂઆતમાં 7.5 લાખ રૂપિયા માગ્યા અને નકલી પોલીસ બની વાતને આગળ ન વધવા વધવા દેવાની ધમકી આપી હતી. ત્યારપછી વધુ 9 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે, આ મામલે વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે.
આ કેસમાં પોલીસે જે છ આરોપીઓને પકડ્યા છે તે ઉત્પલ રમેશભાઈ પટેલ (ઉ.વ. 25), અરવિંદ જીવરાજભાઈ મુંજપરા (ઉ.વ. 32), સંગીતાબેન અરવિંદ જીવરાજભાઈ મુંજપરા (ઉ.વ.૩૧), ભાવનાબેન હીરાભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ.વ. 39), રેખાબેન મનસુખભાઈ રાઘવભાઈ ચઠોડ (ઉ.વ. 37). અલ્કાબેન રજનિકાંતભાઈ મનીભાઈ ગોંડલીયા (ઉ.વ. 22)
પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી 5.73 લાખ રૂપિયા સહિત 7 મોબાઈલ, અલ્ટો ફોર વ્હીલ કાર સહિત કુલ 6.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે આ મામલે પકડાયેલા આરોપીઓ પહેલાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે મામલે તપાસ હાથ ધરી છે.