સુરતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું હતું. શહેરના અલથાણમાં દેવ પટેલ નામનો ધોરણ 12ના વિદ્યાર્થીને પૂજા અર્ચના કર્યા બાદ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જોકે બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું.


જાન્યુઆરી મહિનામાં જ નવસારીના જલાલપુરમાં રહેતા અને હૉલસેલ કરિયાણાના વેપારી પ્રકાશ ભંડેરીનો 21 વર્ષીય પુત્ર દર્શિલ LLBના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે સવારે 10 વાગ્યાની આસપાસ દર્શિલ ઘરે હાજર હતો, ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યો હતો.  દર્શિલને તાત્કાલિક  સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ  આ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.   


યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.


સૌરાષ્ટ્રમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં પ્રથમ ઘટના બોટાદમાં બની છે. બોટાદની ખાનગી હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત છે. મોડી રાત્રીના છાતિમાં દુખાવો થતા 40 વર્ષીય નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવાનના મોતના પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છે.


બીજી ઘટના રાજકોટમાં જેતપુરમાં બની છે. અહીં જેતપુર તાલુકાના પીઠડીયા ગામે હાર્ટ એટેકથી એકનું મોત થયું છે. ભગવતી ચોકમા રહેતા 45 વર્ષીય મનીષાબેનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેથી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. તબીબના પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેક આવ્યો છે.  જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કઈ રીતે મોત થયું તે હકીકત બહાર આવશે.