સુરત: શહેરમાં વિચરતી જાતિના બાળકોના શિક્ષણ માટે ‘ફરતી શાળા’નો પ્રારંભ કરવામાં આવશે. ફૂટપાથ પર જીવન ગુજારતા લોકોના બાળકોને અભ્યાસ કેળવણી અપાશે. શિક્ષણથી વંચિત રહેતા બાળકો માટે ફરતી શાળા ‘પ્રમુખસ્વામી સ્મૃતિ વિદ્યામંદિર' દ્વારા શરુઆત કરાશે. ફૂટપાથ પર રહેતા બાળકો માટે એસી બસમાં વર્ગખંડ તૈયાર કરાયો છે. 


જેમાં બાળકોને બેસવા માટે બેન્ચ, બ્લેકબોર્ડ, ટીવી તેમજ જરૂરી તમામ શૈક્ષણિક સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવશે. આ બસનું આવતી કાલે સવારે ૯:૩૦ કલાકે વિદ્યાકુંજ સ્કૂલ ખાતે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસરીયા, કેન્દ્રીય કપડા અને રેલ મંત્રી દર્શના જરદોશ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, ધારાસભ્ય પૂર્વેશ મોદી હાજર રહેશે.


ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી


Gujarat Weather Update: હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગની અનુસાર 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. જોકે હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.


તો બીજી તરફ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગત રોજ અમદાવાદ અને સુરેન્દ્રનગર ગરમ શહેર રહ્યા હતા. ગત રોજ પોરબંદર અને દિવ સીવીયર હિટ વેવ રહ્યા હતા. જૂનાગઢ અને સુરતમાં હિટવેવ રહી હતી. મોખા વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાતા તાપમાન વધ્યું હતું. મોખાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટશે. આજે દિવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી પાર જશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પાર જવાની સંભાવના છે.


ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યનું નિધન


સાબરકાંઠા: ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભુરાભાઈ રાઠોડનું નિધન થયું છે. તેઓ 86 વર્ષની ઉંમરે અનંતના માર્ગે ચાલ્યા ગયા છે.  ગુજરાત વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઈ રાઠોડ  વર્ષ 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહ્યા હતા. તમને જણાવી દઈએ કે,  જેઠાભાઇ રાઠોડ સાઈકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. પોતાની પ્રમાણિકતાને લઈને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પેપર અને ટીવી ચેનલોમાં જેઠાભાઈ હંમેશા ચર્ચામાં રહેતા હતા. એટલું જ નહીં જેઠાભાઇ રાઠોડ એસ.ટી. બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા.