સુરત: સુરતના સગરામપુરા ખાતે આવેલ શંખેશ્વર કોમ્પ્લેક્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળના ફ્લેટનો ફ્લોરિંગનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડતાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગ અને પાલિકા અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રાહત કામગીરી હાથ ધરી હતી. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
પાલિકાના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં એપાર્ટમેન્ટના રહીશોને રીપેરીંગ અર્થે નોટિસ પાઠવવામાં આવી હતી. જે નોટિસ પાઠવ્યા બાદ પણ બિલ્ડીંગની યોગ્ય રીપેરીંગની કામગીરી ન થતાં આજે ઘટના બની હતી.
સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર કોમ્પ્લેક્સની અંદર અંકિત એપાર્ટમેન્ટ આવેલ છે. આ લો-રાઈઝ એપાર્ટમેન્ટ અંદાજિત 35 વર્ષ જૂનું માનવામાં આવે છે. જે એપાર્ટમેન્ટના ફ્લેટનો ત્રીજા માળનું ફ્લોરિંગનો ભાગ આજ રોજ સાંજના ચારથી સાડા ચાર વાગ્યાના સમય દરમિયાન એકાએક ધરાશાહી થઈ તૂટી પડતા નાશભાગ અને દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળના ફ્લેટનો ફ્લોરિંગનો ભાગ ધડાકાભેર સાથે શોપિંગ કોમ્પ્લેક્સના સ્લેબ પર તૂટી પડ્યો હતો.
શોપિંગ કોમ્પલેક્ષ નીચે પાર્ક કરેલ વાહનો પર આ સ્લેબ તૂટી પડતા એક ટુ વ્હીલ અને ફોર વ્હીલ કારને ભારે નુકશાન થયું હતું. ફ્લોરિંગનો કાટમાળનો ભાગ તૂટી પડવાના કારણે બિલ્ડીંગના રહીશોના જીવ ટાળવે ચોટી ગયા હતા. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી સુરત ફાયર વિભાગ અને પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ બિલ્ડીંગ અંદાજિત 20 થી 25 વર્ષ જૂની છે. જોકે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 35 વર્ષ જૂની આ ઇમારત છે.
ઘટના સ્થળ પર પહોંચેલી સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. જ્યાં સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જીનીયર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી હતા અને સ્ટ્રક્ચર સ્ટેબીલીટી રિપોર્ટ કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી. વર્ષ 2023માં બિલ્ડીંગને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ પણ નોટિસ આપવામાં આવી હતી. હાલ જે ઘટના બની છે તેને લઈ સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જ્યાં આગળની કાર્યવાહી હાલ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.
જર્જરિત ફ્લેટના ફ્લોરિંગનો ભાગ તૂટી પડતા લોકોમાં રીતસરનો ભયનો માહોલ ઉભો થયો હતો. અહીંના લોકોનું કહેવું છે કે દરરોજ અહીં બાળકો સાંજના સમયે મોટી સંખ્યામાં રમતા હોય છે. પરંતુ આજે આ ઘટના બની ત્યારે બાળકો હાજર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. પાલીકા દ્વારા નોટિસ પાઠવવા માં આવી હોવા છતાં બિલ્ડીંગની યોગ્ય રીતે મરામત કરાવવામાં આવી નથી. માત્ર મીટીંગો કરી સંતોષ માની લેવામાં આવે છે. તાત્કાલિક ધોરણે પાલીકા આ મામલે કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે.