સુરત: અડાજણ પોલીસમાં ગત સપ્ટેમ્બર 2022માં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનાના આરોપી અવિનાશ ઉર્ફે અવી કાશીનાથ સામુદ્રે (ઉ.વ. 23 રહે. મહારાષ્ટ્ર) 20 ફેબ્રુઆરી 2023થી લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નં. 10ની બેરેક નં. 4 માં કેદ હતો. ગત રાતે 2.15 કલાક ઊંઘમાંથી ઊઠેલો અવિનાશ ટોઈલેટમાં ગયો હતો અને એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ લીધો હતો. દસેક મિનિટ બાદ તેની બેરેકનો કેદી પણ ટોઈલેટમાં જતા તેની નજર અવિનાશ ઉપર પડતા તરત જ અન્ય કેદી અને જેલ અધિકારીને જાણ કરી હતી. 


અવિનાશને તાત્કાલિક જ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા સચિન પોલીસ અને જેલના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. અવિનાશના પેન્ટના ખિસ્સામાંથી માતા-પિતા અને તેની સગીર પ્રેમિકાને ઉદ્દેશીને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. અવિનાશે આપઘાત કરતા પૂર્વે લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી-પપ્પા મને માફ કરજો, આ જન્મમાં હું તમારો સારો દીકરો નહીં બની શક્યો અને સેવા પણ કરી શક્યો નથી. પરંતુ બીજા જન્મમાં હું તમારો દીકરો બનીને આવીશ. નાના ભાઇ ભાણાને ભણાવજો અને સારો દરજ્જો અપાવજો, મને માફ કરજો. 


જ્યારે તેની પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું છે કે, આ જીવનમાં આપણે સાથે નહીં રહી શક્યા તેનો અફસોસ છે, હું તને બહુ પ્રેમ કરું છું, શક્ય હોય તો દર મહિને મારાં મમ્મી-પપ્પાને મળતી રહેજે અને મારા ગયા પછી તું દુઃખી થઇશ નહીં. આરોપીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે. અવિનાશે અંગ્રેજી અને મરાઠીમાં લખેલી સુસાઇડ નોટમાં પોતે પ્રેમમાં નિષ્ફળ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે જેલના સીસીટીવી ફૂટેજનું પરીક્ષણ કરવા ઉપરાંત તેના સરસામાનની ચકાસણી કરી હતી. પોલીસ દ્વારા આપઘાત કરનાર આરોપીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


જૂનાગઢના આ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ


જૂનાગઢના વિસાવદર પંથકમાં દુષ્કર્મનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક મહિલાએ ગામના સરપંચ અને ઉપ સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરિયાદ બાદ પોલીસે પોલીસે સરસઈ ગામના સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી છે. જ્યારે ઉપ સરપંચ જયદીપ લાખાણી પોલીસ પકડથી હજુ દૂર છે. આ ઉપરાંત અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.